વજન ઘટાડવાની સર્જરીને જીવનરક્ષક સારવાર ગણી મેડિક્લેઇમ મંજૂર રાખતી: અદાલત
ગુજરાત રાજ્ય ગ્રાહક વિવાદ નિવારણ કમિશને એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા જણાવ્યું છે કે વજન ઘટાડવાની સર્જરી હંમેશા કોસ્મેટિક અથવા વૈકલ્પિક સારવાર હોતી નથી, પરંતુ કેટલીકવાર તે પજીવનરક્ષક સારવારથ બની શકે છે. આ સાથે કમિશને મેટાબોલિક સર્જરી (Metabolic Surgery) માટેના મેડિક્લેમને યોગ્ય ઠેરવતા વીમા કંપનીની અપીલને ફગાવી દીધી છે.
આ સમગ્ર મામલો સુરતની રહેવાસી વનિતા સિંઘલા સાથે જોડાયેલો છે. તેમને ચાલવામાં અને શ્વાસ લેવામાં તકલીફ, ઘૂંટણમાં દુખાવો અને ગંભીર નસકોરાંની સમસ્યા હતી. તબીબી તપાસમાં તેમને અનિયંત્રિત ડાયાબિટીસ, હાઈપરટેન્શન (હાઈ બ્લડ પ્રેશર) અને હાઇપોથાઇરોડિઝમ જેવી ગંભીર સહ-બિમારીઓ હોવાનું જણાયું હતું.
નિષ્ણાત ડોક્ટરોની સલાહ પર, તેમણે ફેબ્રુઆરી 2015માં એક ખાનગી હોસ્પિટલમાં લેપ્રોસ્કોપિક ગેસ્ટ્રિક બાયપાસ (Laparoscopic Gastric Bypass) સર્જરી કરાવી, જેનો ખર્ચ રૂૂ. 4.50 લાખ થયો હતો.
વનિતા સિંઘલા પાસે ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિ.નો રૂૂ. 3.5 લાખનો હેલ્થ કવર હતો. જોકે, ક્લેમ કરવામાં આવતા વીમા કંપનીએ તે નામંજૂર કર્યો હતો. કંપનીએ દલીલ કરી હતી કે પોલિસીના બાકાત (Exclusion) કલમ મુજબ સ્થૂળતા અને તેની ગૂંચવણોની સારવાર વીમા કવચ હેઠળ આવરી લેવામાં આવતી નથી.
ફરિયાદીએ આ મામલે સુરત જિલ્લા ગ્રાહક કમિશનમાં દાવો કર્યો હતો, જેણે 2021માં વીમા કંપનીને રકમ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. કમિશને કહ્યું હતું કે સર્જરી માત્ર વજન ઘટાડવા માટે નહીં, પરંતુ જીવન બચાવવા માટે કરવામાં આવેલો તબીબી હસ્તક્ષેપ હતો.
જ્યારે વીમા કંપનીએ રાજ્ય ગ્રાહક કમિશનમાં આદેશ સામે અપીલ કરી, ત્યારે પ્રિસાઇડિંગ મેમ્બર એ.સી. રાવલ અને મેમ્બર પી.આર. શાહની ખંડપીઠે વીમા કંપનીની દલીલોને ફગાવી દીધી.
આધુનિક ક્લિનિકલ પુરાવા દર્શાવે છે કે અનિયંત્રિત ટાઇપ-2 ડાયાબિટીસ અને સંબંધિત મેટાબોલિક રોગ ધરાવતા દર્દીઓ માટે મેટાબોલિક/બેરિયાટ્રિક સર્જરી એક અસરકારક, પુરાવા-આધારિત અને ક્યારેક જીવનરક્ષક સારવાર છે. જ્યારે આવી સર્જરી ગંભીર મેટાબોલિક રોગની સારવાર અને જીવલેણ ગૂંચવણોને ટાળવા માટે કરવામાં આવે, ત્યારે કવરેજ નકારવા માટે તેને માત્ર સ્થૂળતા ઘટાડવાની પ્રક્રિયા તરીકે ગણી શકાય નહીં.