ખેડૂત ઉપર હુમલો કરવાના ગુનામાં સગા ત્રણ ભાઈઓને બે વર્ષની સજા ફટકારતી કોર્ટ
રાજકોટ તાલુકાના ખરેડી ગામે 23 વર્ષ પહેલા વડીલો પાર્જીત જમીનના મામલે ચાલતા ઝઘડામાં ખેડૂત ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે ત્રણ ભાઈઓને તકસીરવાન ઠેરવી કલમ 325 હેઠળ બે વર્ષની સજાનો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ શહેરની ભાગોળે આવેલા ખેરડી ગામે રહેતા બાબુભાઈ મોહનભાઈ મોલીયાને પાઇપ વડે કાનજી બચુ મોલીયા, અશોક બચુ મોલીયા અને શંભુ બચુ મોલીયાએ માર માર્યાની તાલુકા પોલીસ મથકમાં તા.18-2-2002ના રોજ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપી અને ફરિયાદીઓ પિતરાઈ ભાઈઓ થાય છે અને દાદીમાની જમીન બાબતે ચાલતા ઝઘડાના કારણે માર માર્યાનો પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું પોલીસે ત્રણેય ભાઈઓ સામે કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
બાદ તપાસ પૂર્ણ થતા અદાલતમાં તપાસનીશ દ્વારા ચાર્જસીટ રજૂ કરવામાં આવ્યું હતું.બાદ કોર્ટમાં કેસની સુનાવણી હાથ ધરવામાં આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકારી વકીલ દ્વારા તપાસવામાં આવેલા પંચો ,ફરિયાદી ,સાહેદો અને તપાસનીશને તપાસવામાં આવેલા તેમજ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા બાદ સરકારી વકીલ ડી.કે. શ્રીમાળી દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલ તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાઓને ધ્યાને લઈ છઠ્ઠા જ્યુ. મેજિસ્ટ્રેટ દામિનીબેન દીક્ષિતએ કાનજી મોલીયા, અશોક મોલિયા અને શંભુ મોલીયા ને તકસીરવાન ઠેરવી કલમ 325 હેઠળ બે વર્ષની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે.