સગીરા ઉપર દુષ્કર્મ આચરનારને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ
શાપર-વેરાવળની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના કેસમાં ધરપકડ થઇ’તી
શાપર-વેરાવળ ઔદ્યોગીક વિસ્તારમાં રહેતી સગીરાનુ અપહરણ કરી કેશોદના ખમીદાણા ગામે લઈ જઈ હવસનો શિકાર બનાવવાના ગુનાનો કેસ ગોંડલની અદાલતમાં ચાલી જતા ન્યાયધીશે આરોપીને 20 વર્ષની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ કર્સની હકીકત મુજબ શાપર-વેરાવળ ઔદ્યોગીક વિસ્તારમાં રહેતી 14 વર્ષની સગીરાનું કેશોદ તાલુકાના ખમીદાણા ગામનો જગદીશ ઉર્ફે અજય સોમા રાઠોડ નામનો શખ્સ અપહરણ કરી પોતાના વતનમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યા અંગેની પીડીતાના વાલીએ શાપર-વેરાવળ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ફરીયાદના આધારે જગદીશ ઉર્ફે અજય રાઠોડની ધરપકડ કરી તપાસ પૂર્ણ કરતા જેલહવાલે કર્યો હતો. આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા મળતા તપાસનીશ દ્વારા ગોંડલની અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું.
બાદ કેસની સુનાવણી હાથ ધરવામાં આવતા જેમાં બન્ને પક્ષોની રજૂઆત બાદ સરકાર પક્ષે એપીપી ઘનશ્યામ ડોબરીયાએ લેખીત-મૌખિક દલીલ કરી હતી. જેમાં તપાસનીશ, તબીબ અને એફએસએલ સહિતના પૂરાવા રજૂ કર્યા હતા. તેમજ ભોગ બનનાર અને તેના માતા-પિતાની જુબાની ઘ્યાને લઈ અધિક.સેશન્સ જજ એમ.એ.ભટ્ટીએ આરોપી જગદીશ ઉર્ફે અજય રાઠોડને 20 વર્ષની કેદ અને દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ ઘનશ્યામ ડોબરીયા રોકાયા હતા.