ત્રંબાની કરોડોની જમીનના બક્ષિસના દસ્તાવેજો રદ કરવાનો દાવો ફગાવતી અદાલત
ત્રંબાના રેવન્યુ સર્વે નં. 147ની કરોડોની જમીન સંબંધે અગાઉ 1990 અને 1991ની સાલમાં થયેલા બક્ષિસ દસ્તાવેજો બોગસ હોવાનું જણાવી બંને દસ્તાવેજ રદ કરવાનો વાદીનો દાવો એડિશનલ સિનિયર સિવિલ જજ દ્વારા ભગાવી દેવામાં આવ્યો છે.
આ કેસની હકીકત મુજબ, રાજકોટ તાલુકાના ત્રંબા (કસ્તુરબાધામ)ના રહીશ પરસોતમભાઈ પરબતભાઈ ત્રાપસીયાએ રાજકોટના કિરીટભાઈ નથુભાઈ પરસાણા સામે એવા મતલબનો દાવો દાખલ કરેલ કે ત્રંબાના રેવન્યુ સર્વે નં. 147 ની જમીન એકર 7 15 ગુંઠા તેની માલિકીની જમીન મામલે પોતાની (પરસોત્તમભાઈ ત્રાપસીયા) અભણતા અને અજ્ઞાનતાનો ગેરલાભ લઈ છળકપટ કરી રાજકોટના રહીશ કિરીટભાઈ નથુભાઈ પરસાણાએ જુદા જુદા બે બક્ષિસ દસ્તાવેજ અનુક્રમ નં. 3654 તા. 25/ 03/90ના રોજ તથા અનુ નં. 4754 તા.10/ 04/ 91ના રોજ બોગસ દસ્તાવેજો કરાવી લીધા હોવાનું 2018ની સાલમાં જણાવી કરેલા દાવામાં એવી તકરાર લેવામાં આવેલી કે તેઓ ક્યારેય પણ સબ રજિસ્ટ્રાર કચેરીએ આવો દસ્તાવેજ કરવા માટે ગયેલ નથી અને દસ્તાવેજમાં કરવામાં આવેલી તેની સહી બોગસ બનાવટી હોય આ બક્ષિસ દસ્તાવેજો રદ કરવાની માગણી કરી હતી.
આ કેસ ચાલવા ઉપર આવતા વાદી પક્ષ તથા પ્રતિવાદી કિરીટભાઈ નથુભાઈ પરસાણા તરફે રોકાયેલ વરિષ્ઠ ધારાશાસ્ત્રી અર્જુન પટેલ બંન્ને પક્ષકારોના પુરાવા તેમજ દલીલો ધ્યાને લઈ રાજકોટના 8મા અધિક સિનિયર સિવિલ જજ આઈ.એમ.શેખે દાવો રદ કરતા લંબાણપુર્વકના આપેલા ચુકાદામાં ઠરાવેલ છે કે, આ બંને ગિફટ ડીડ રજિસ્ટર દસ્તાવેજો છે, તેમાં વાદી તરફે એવા કોઈ પુરાવા અદાલત સમક્ષ રજુ થયેલા નથી કે જેનાથી એવા નિર્ણય ઉપર આવી શકાય કે આ દસ્તાવેજો બોગસ બનાવવામાં આવેલા છે. આ ઉપરાંત બંને બક્ષિસ દસ્તાવેજો વર્ષ 1990 અને 1991ના છે અને આ દાવો વર્ષ 2018માં એટલે કે 17 વર્ષ પછી બાદ દાખલ થયો છે, આ બંને ગિફટ ડીડના આધારે ત્રંબા ગામના હકકપત્રકે કિરીટભાઈ નથુભાઈ પરસાણા અને ત્યારબાદના ખરીદનારાઓના નામે રેવન્યુ રેકર્ડે એન્ટ્રી પડી ગયેલ છે અને પ્રમાણીત થયેલ છે, ત્યારે 3 વર્ષ બાદ આવા દાવાને સમય મર્યાદાનો બાધ નડે છે.
અદાલતે વધુમાં નોંધેલ છે કે આ વાદી દાવાવાળી મિલ્કતમાં પોતાનો માલિકી હકક અને કબજો સાબિત કરવામાં નિષ્ફળ નીવળેલ છે જેથી વાદીનો દાવો અદાલતે રદ કરેલ છે અને આ બંને ગિફડ ડીડ માન્ય ઠરાવેલ છે. આ કેસમાં પ્રતિવાદી વતી સિનિયર એડવોકેટ અર્જુન એસ. પટેલ, મહેન એમ. ગોંડલીયા, રવિન એન. સોલંકી, ભાર્ગવ એ.પાનસુરીયા અને આકાંક્ષા એચ. રાજદેવ રોકાયા હતા.
