અગ્નિકાંડના આરોપી ડે. ચીફ ફાયર ઓફિસર ઠેબાની જામીન અરજી ફગાવતી અદાલત
અગાઉ કોર્ટે બી.જે. ઠેબાને તેની મૃતક માતાની વિધિમાં જવા બે દિવસની પરવાનગી આપી’તી
ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના બનાવમાં 27થી વધુ લોકોના ભોગ લેવાના બનાવમાં પકડાયેલા 15 આરોપી પૈકીના મહાપાલિકાના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી. જે. ઠેબાએ જેલ મુક્ત થવા કરેલી રેગ્યુલર જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે.
આ અંગેની હકીકત મુજબ શહેરના કાલાવડ રોડ નજીક નાના મવા વિસ્તારમાં મોકાજી સર્કલ પાસે આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગત તારીખ 28/5/2024ના રોજ આગ ફાટી નીકળતા નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત 27 લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવ માટે ફાયર બ્રિગેડ સહિતના વિવિધ તંત્રોની ગુનાહિત બેદરકારી બેજવાબદારી બહાર આવતા અધિકારીઓ સહિત કુલ 15 આરોપીઓ સામે ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી હતી. જેમાં મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડના અધિકારીઓએ ભ્રષ્ટાચાર આચરી અપ્રમાણસરની પુષ્કળ મિલકતો ભેગી કરી હોવાનું ખુલતા ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખુ જીવાભાઈ ઠેબા સામે એસીબી તંત્રએ પણ ભ્રષ્ટાચારનો ગુનો નોંધ્યો હતો.
અગ્નિકાંડ કેસમાં ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખુ જીવાભાઈ ઠેબાને અગાઉ કોર્ટે બી.જે. ઠેબાને તેની મૃતક માતાની વિધિમાં જવા 2થદીની પરવાનગી આપી હતી. બાદમાં હાલ જેલ હવાલે રહેલા ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખુ જીવાભાઈ ઠેબાએ જેલ મુક્ત થવા સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. જે જમીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષના વકીલોની રજૂઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા સ્પેશિયલ પીપી, એડિશનલ પીપી, અને હતભાગી પરિવાર વતી રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલ અને રજૂ રાખેલા ઊંચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઈ સેશન્સ કોર્ટે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખુ જીવાભાઈ ઠેબાની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે.
આ કેસમાં સરકાર પક્ષે સ્પે. પી.પી. તુષાર ગોકાણી, એડિશનલ પી.પી. નીતેષ કથીરીયા તેમજ હતભાગી પરિવારો વતી રાજકોટ બાર એસો.ના ઉપ પ્રમુખ સુરેશ ફળદુ અને ડિસ્ટ્રીકટ બાર એસો.ના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા રોકાયા હતા.