‘આપ’ના ધારાસભ્ય ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી ફગાવતી કોર્ટ
દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સામે વનકર્મીઓને ધમકી આપી હવામાં ફાયરિંગ કરવાનો કેસ નોંધાયા બાદથી ફરાર છે અને તેઓ જામીન મેળવવા દોડધામ કરી રહયાં છે. રાજપીપળાની સેશન્સ કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દેતાં હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેમાં પણ ધારાસભ્યને રાહત મળી નથી. ધારાસભ્યને વન અધિકારીઓને ઘરે બોલાવવાનો અધિકાર કોણે આપ્યો તેવી આકરી ટકોર સાથે હાઇકોર્ટે પણ જામીન અરજી ફગાવી દીધી છે. એક મહિના ઉપરાંતથી ચૈતર વસાવા પોલીસને ચકમો આપી ભાગી રહયાં છે.
જામીન મેળવવા માટે હવે તેમની પાસે સુપ્રિમ કોર્ટનો અંતિમ વિકલ્પ બાકી રહયો છે નહિતર તેમણે પોલીસ સમક્ષ સમર્પણ કરવાની ફરજ પડશે. છેલ્લા એક મહિનાથી ફરાર ચૈતર વસાવાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઇ રહી નથી. સેશન્સ બાદ હવે હાઇકોર્ટે પણ આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. ધારાસભ્ય પર વનકર્મીઓને ઘરે બોલાવી ધમકાવીને હવામાં ગોળીબાર કરી 60 હજાર રૂૂપિયા પડાવી લેવાનો આરોપ છે. આ કેસમાં તેમના પત્ની શંકુતલા સહિતના 3 આરોપી પણ જામીન મેળવવા દોડધામ કરી રહયાં છે. ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય આગોતરા જામીન અરજી પર સુનાવણી કરતાં કોર્ટે આકરી ટીપ્પણી કરી હતી કે, કયા અધિકારો હેઠળ ધારાસભ્યએ વનકર્મીને બોલાવ્યા હતા. સેશન્સ બાદ હવે હાઇકોર્ટમાં પીછેહટ થતાં ધારાસભ્ય પાસે એક માત્ર સુપ્રિમ કોર્ટનો વિકલ્પ બાકી રહયો છે. બીજી તરફ તેમના પત્ની સહિતના 3 આરોપીની નિયમિત જામીન અરજી પણ ફગાવી દેવાઇ છે.