અમિત ખૂંટ આપઘાત કેસમાં હોટલ અને પોલીસ સ્ટેશનના ડીવીઆર કબજે કરવા કોર્ટનો આદેશ
રીબડાના ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં વકીલે કરેલી અરજી બાદ ગોંડલના ત્રીજા એડિશનલ સિનિયર સિવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આર.એસ. રાઠોરની કોર્ટે એક મહત્વનો હુકમ કર્યો છે. કોર્ટે શ્રી હોટલ અને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરાના ડીવીઆર તાત્કાલિક કબ્જે કરી કોર્ટમાં જમા કરાવવાનો આદેશ આપ્યો છે.
આ ડીવીઆર ને પુરાવાઓની ખરાઈ માટે એફએસએલમાં મોકલવામાં આવશે.સગીરાના વકીલ દ્વારા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના, ડીવાયએસપી ઓફિસ અને શ્રી હોટલના સીસીટીવી ફૂટેજ મેળવવા માટે પણ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને જરૂૂર પડ્યે અન્ય સ્થળોના ફૂટેજ પણ મંગાવવામાં આવશે. હવે સૌની નજર એફએસએલ રિપોર્ટ પર છે. જો સીસીટીવી ફૂટેજમાં સગીરાના આરોપોને સમર્થન મળે છે, તો આ કેસમાં નામ ધરાવતા તમામ મોટા માથાઓની મુશ્કેલી વધી શકે છે અને તેમની ધરપકડ પણ થઈ શકે છે.અમિત ખુંટ આપઘાત કેસમાં આરોપ હતો તે યુવતી છેલ્લા બે મહિનાથી ગોંડલ સબજેલમાં બંધ હતી. પૂજા રાજગોરના વકીલ ભૂમિકા પટેલે જામીન અરજી કરી હતી.
કોર્ટે જામીન અરજી મંજૂર કરી છે અને પૂજા રાજગોરને જામીન પર મુક્ત કરી છે. આ કેસમાં સહઆરોપી સગીરાને અગાઉ વડોદરાના ઓબ્ઝર્વેશન હોમમાં રાખવામાં આવી હતી. તેના જામીન મંજૂર થતા તેને મુક્ત કરવામાં આવી હતી, જો કે બાદમાં સગીરાના પિતાની અરજીને કારણે તેને ફરી વડોદરાના ઓબ્ઝર્વેશન હોમમાં રાખવામાં આવી છે.આ કેસમાં સગીરાએ 28 લોકો વિરુદ્ધ નોંધાવી છે ફરિયાદ સગીરાના વકીલ ભૂમિકા પટેલના જણાવ્યા હતું કે સગીરાને ગોંડલની શ્રી હોટલમાં બે દિવસ સુધી ગેરકાયદેસર રીતે ગોંધી રાખવામાં આવી હતી. આરોપી સગીરાને જયરાજસિંહ જાડેજા, તેમના પુત્ર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ શ્રી હોટલમાં ગોંધી રાખી, માનસિક ત્રાસ આપ્યો અને ચોક્કસ લોકો વિરુદ્ધ નિવેદન આપવા માટે દબાણ કર્યું હતું.
આ સમગ્ર ષડયંત્ર બાબતે અમે નામદાર કોર્ટમાં 12 જૂન 2025 કુલ 28 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. આ ફરિયાદમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, પુત્ર ગણેશ જાડેજા, જેકીભાઈ, દિગપાલસિંહ, મહિપતસિંહ, હેમભા જેવા રાજકીય સાથીદારો ઉપરાંત ડીસીપી જગદીશ બાંગરવા, ડીવાયએસપી કે. જી. ઝાલા, અને પીઆઈ એ. ડી. પરમાર જેવા ઉચ્ચ પોલીસ અધિકારીઓનાં નામ પણ સામેલ છે.આ મામલે કોર્ટે હોટલ અને પોલીસ સ્ટેશનના ડીવીઆર કબજે કરવા આદેશ આપ્યો છે.