કુલદીપ શર્મા-પ્રદીપ શર્માને સરેન્ડર કરવા કોર્ટનો હુકમ
કચ્છમાં જમીન ફાળવણીના કેસમાં પૂર્વ IAS પ્રદીપ શર્માને થયેલી સજા સામેની અપીલ રદ
ઇભલા શેઠને ગોંધી રાખવાના 41 વર્ષ જૂના કેસમાં પૂર્વ IPS કુલદીપ શર્માની અપીલ પણ ફગાવી
ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી કુલદીપ શર્મા અને તેમના નાના ભાઈ તથા પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માને ભુજ સેશન્સ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે બે જુદા જુદા કેસમાં તેમને અને અન્ય અધિકારીઓને નીચલી અદાલત દ્વારા મળેલી સજા સામે કરેલી અપીલો ફગાવી દીધી છે. કોર્ટે શર્માબંધુઓ સહિતના તમામ આરોપીઓને 15 દિવસમાં સરેન્ડર થવાનો આદેશ આપ્યો છે.
જમીન ફાળવણી કેસમાં પૂર્વ કલેક્ટરને સજાની વિગત એવી છે કે, પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા, નિવાસી નાયબ કલેક્ટર અજીતસિંહ ઝાલા, ટાઉન પ્લાનર નટુભાઈ દેસાઈ અને નાયબ મામલતદાર નરેન્દ્ર પ્રજાપતિને મુન્દ્રામાં જિન્દાલ સો પાઇપ્સ લિમિટેડને ગેરકાયદેસર જમીન ફાળવવા બદલ નીચલી અદાલતે દોષી ઠેરવ્યા હતા. તેમને પાંચ વર્ષની સખત કેદ અને પ્રત્યેકને રૂૂપિયા 10,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ ચુકાદા સામે આરોપીઓએ સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી.
ભુજના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ ડી.પી. મહિડાએ તેમની અપીલ આંશિક રીતે નામંજૂર કરીને પાંચ વર્ષની સજા અને દંડનો હુકમ યથાવત રાખ્યો છે. જ્યારે 40 વર્ષ જૂના કેસમાં પૂર્વ આઈપીએસને સજાના કેસની વિગત એવી છે કે, 1984ના એક કેસમાં તત્કાલીન એસપી કુલદીપ શર્મા અને પીએસઆઈ ગિરીશ વસાવડાને પણ સજા થઈ છે. આ કેસમાં ઈભલા શેઠ નામના એક વ્યક્તિને પોલીસ કંટ્રોલ રૂૂમમાં ગેરકાયદેસર ગોંધી રાખીને માર મારવામાં આવ્યો હતો.
40 વર્ષ અને 9 મહિના પછી આવેલા આ ચુકાદામાં નીચલી કોર્ટે કુલદીપ શર્મા અને ગિરીશ વસાવડાને ત્રણ મહિનાની સાદી કેદ અને પ્રત્યેકને રૂૂપિયા 1,000નો દંડ ફટકાર્યો હતો.આ ચુકાદા સામે બંને અધિકારીઓએ સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. આ અપીલને કોર્ટે ફગાવી દીધી છે અને નીચલી કોર્ટના હુકમને યથાવત રાખ્યો છે. આ કેસમાં ફરિયાદ પક્ષે ભુજના સિનિયર એડવોકેટ આર.એસ. ગઢવી અને તેમના સહાયક એડવોકેટ વી.જી. ચૌધરી જ્યારે સરકાર તરફે એચ.બી. જાડેજાએ દલીલો કરી હતી.