RMCના ચીફ ફાયર ઓફિસર અનીલ મારુના કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ કર્યા મંજુર, ACBએ 1.80 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપ્યા
ગઈ કાલે રાજકોટ મહાનગરપાલિકાના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર 1.80 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે. એસીબીની ટીમે મહાનગર પાલિકાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર મારું લાંચ લેતા ઝડપી પાડ્યા હતાં. ત્યારબાદ ACB દ્વારા તેમના રાજકોટના નિવાસ્થાન અને ભુજ ખાતે આવેલા વિવિધ જગ્યાઓએ પર રેડ પાડવામાં આવી હતી. ત્યારે આજે તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ACB દ્વારા તેઓના ચાર દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી પરંતુ કોર્ટ દ્વારા ચીફ ફાયર ઓફિસર અનીલ મારુંનાં ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.
આ કેસના ફરિયાદી ફાયર સેફ્ટી ફીટીંગનું કામ કરતા હોવાથી રાજકોટમાં એક બિલ્ડીંગમાં કરેલ ફાયર સેફ્ટી અંગેની એનઓસી મેળવવા માટે ગયા હતા. તેમણે રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના ચીફ ફાયર ઓફિસર અનિલકુમાર બી.મારૂનો સંપર્ક કર્યો હતો. ત્યારે ચીફ ફાયર ઓફિસર અનિલકુમાર બી.મારૂ ફરિયાદી પાસે રૂ.3,00,000ની લાંચની માંગણી કરી હતી.
જેથી ફરિયાદીએ તેમને રૂ.1,20,000 આપ્યા હતા. અને બાકીની રકમ ચાર પાંચ દિવસમાં આપવાનું નક્કી કર્યું હતું. તો બીજીતરફ ફરિયાદીએ આ અંગે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે એસીબીના અધિકારીઓએ રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોનની ચીફ ફાયર ઓફિસરની ઓફિસમાં છટકું ગોઠવ્યું હતું. અને મહાનગર પાલિકાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલકુમાર બી.મારૂ 1,80,000 રૂપિયાની લંચા લેતા રંગેહાથ ઝડપાયા હતા. હાલ આ મામલે એસીબીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.