ડ્રાયફ્રૂટના વેપારીનું અપહરણ કરી માર મારવાના ગુનામાં આરોપીઓના જામીન મંજૂર કરતી કોર્ટ
તરઘડી ગામના ડ્રાયફ્રુટના વેપારીનું રૂૂપિયાની ઉઘરાણીમાં અપહરણ કરી માર મારી કોરા ચેક પડાવી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં જેલ હવાલે રહેલા આરોપીઓને જામીન મુક્ત કરવા કોર્ટે હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ તરઘડી ગામ ખાતે રહેતા અને રંગપર પાટીયા પાસે ફ્રુટનો ધંધો કરતા નવઘણભાઈ ભુપતભાઈ સોલંકીએ રાજકોટમાં પરાબજારમાં આવેલ સબીરભાઈની ડ્રાયફ્રુટની દુકાનેથી કાજુનો ડબ્બો લીધો હતો અને સબીર ભાઈનો મોબાઇલ નંબર મેળવી બીજા દિવસે નવઘણભાઈ સોલંકી ફોન કરી ત્રણ પેટી કાજુની મંગાવી હતી જે પૈસાની ઉઘરાણી કરી સબીરભાઈએ નવઘણભાઈ સોલંકીને ફોન ઉપર ગાળો ભાંડી હતી. બાદમાં નવઘણભાઈ સોલંકી રાજકોટમાં રૈયા ચોકડી પાસે આવેલ આરપી આંગડિયાની ઓફિસે આવ્યા હતા ત્યારે સબીર અને આસિફ સહિતના ત્રણ શખ્સોએ નવઘણભાઈ સોલંકીને માર મારી બાઈકમાં અપરણ કરી બજારમાં અને ત્યાંથી ધર્મેન્દ્ર રોડ ઉપર આવેલી દુકાને લઈ જઈ ટાઈગર અને મહમદ નામના શખ્સને ફોન કરીને બોલાવી નવઘનભાઈ સોલંકીને નગ્ન કરી માર માર્યો હતો.
રાત્રીના દસ વાગ્યા સુધી ગોંધી રાખી ત્રણ કોરા ચેકમાં સહી કરાવી પડાવી લીધા હતા આ અંગે નવઘણભાઈ સોલંકીએ અપહરણ કરી માર મારનાર સબીર મોહમ્મદભાઈ કાસમાણી, સોહિલ મહમદહનીફ બુધિયા, મોહમ્મદ હુસેન ઈબ્રાહીમભાઇ નરસલીયા, મોહમ્મદ આશિક કાસમભાઇ લખાન, એજાજ ઉર્ફે ટાઈગર ઇકબાલભાઈ કુરેશી અને કરણ ભગુભાઈ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. જેલ હવાલે રહેલા આરોપીઓએ જેલ મુક્ત થવા કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજૂઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી રજૂઆત અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઈ કોર્ટે તમામ આરોપીઓની જામીન અરજી મંજૂર કરતો હુકમ કર્યો છે.
આ કેસમાં આરોપીના બચાવ પક્ષે એડવોકેટ રણજીતભાઈ એમ. પટગીર, સાહિસ્તાબેન એસ. ખોખર, નિમેશ જાદવ, દયા કે. છાયાણી અને આસિસ્ટન્ટ શ્રધ્ધા આર. ખખ્ખર રોકાયા હતા.