લોધિકાના પાળ ગામે જમ્યા બાદ દંપતિને ફૂડ પોઇઝનીંગ
લોધીકાના પાળ ગામ નજીક ઝુપડપટ્ટીમાં રહેતા શ્રમિક દંપતીને જમ્યા બાદ ફૂડ પોઇઝનિંગની અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ લોધિકા તાલુકાના પાળ ગામ નજીક આવેલ ઝૂંપડપટ્ટીમાં રહેતા કાળુભાઈ વિરજીભાઈ ડામોર (ઉ.વ.39) અને તેમના પત્ની ગીતાબેન કાળુભાઈ ડામોર (ઉ.વ.39) સાંજના છએક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે દંપતીને જાડા ઉલટીની બીમારી સબબ તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પ્રાથમિક તપાસમાં મગની દાળ અને રોટલી ખાધા બાદ ફૂડ પોઇઝનિંગની અસર થઈ હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અને બીજા બનાવમાં ગોંડલ તાલુકાના બધીયા ગામે રહેતા રાહુલ ચંદુભાઈ મકવાણા નામનો 22 વર્ષનો યુવાન રાત્રીના દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે માનસિક બીમારીથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં રાહુલ મકવાણા બે ભાઈમાં નાનો અને અપરિણીત છે. માનસિક બીમારીથી કંટાળી ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.