ખંભાળિયા પાસે અકસ્માતમાં દંપતી ખંડિત પત્નીનું મોત, પતિ અને પુત્રીને ઈજા
દ્વારકા હાઈવે ઉપર ક્રેટા અને વેગનઆર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે પરિવારના સભ્યો ઘવાયા હતા.આ કરુણ બનાવની વિગત એવી છે કે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં રહેતા ભાવેશભાઈ ગિરીશચંદ્રભાઈ યાજ્ઞિક નામના 53 વર્ષીય બ્રાહ્મણ પ્રૌઢ તેમના પત્ની, તેમજ પુત્ર અને પુત્રી સાથે તેમની જી.જે. 01 એચ.એસ. 0524 નંબરની વેગન-આર મોટરકારમાં બેસીને મીઠાપુર તરફથી આવી રહ્યા હતા. તે દરમિયાન ખંભાળિયાથી આશરે 26 કિલોમીટર દૂર હંજડાપર ગામના પાટીયા નજીક પહોંચતા આ માર્ગ પર જામનગર તરફથી જી.જે. 18 ઈ.સી. 6467 નંબરની ક્રેટા મોટરકારનો ચાલાક રોંગ સાઈડમાં આવી ક્રેટા કારના ચાલકે પોતાની કાર પૂરઝડપે અને બેફિકરાઈથી ચલાવી, વેગન-આર સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.
આ અકસ્માત બનતા વેગન-આર કારની આગળનો ભાગ બુકડો બોલી ગયો હતો. આ જીવલેણ ટક્કરમાં કારચાલક ભાવેશભાઈના પત્નીને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે કારચાલક ભાવેશભાઈને બંને પગ તેમજ બંને હાથમાં ફ્રેક્ચર તેમજ તેમની પુત્રી અને પુત્રને પણ શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમને ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે અહીંની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ અકસ્માત આરોપી કાર ચાલક નાસી છૂટ્યો હોવાનું જાહેર થયું છે.
આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે ભાવેશભાઈ યાજ્ઞિકની ફરિયાદ પરથી ક્રેટા કારના ચાલક સામે જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એમ.આર. બારડ દ્વારા હાથ ધરવામાં આવી છે.