લીલિયા નજીક બાઇક અકસ્માતમાં દંપતી થયું ખંડિત; પતિનું મોત
પત્નીની દવા લઇ ખારા ગામે પરત ફરતી વખતે સાડી વ્હિલમાં સફાતા બાઇક સ્લીપ થયુ’તું
લીલીયાના ખારા ગામે રહેતો યુવાન પત્નીની દવા લઈને પરત ફરી રહ્યો હતો ત્યારે લીલીયા નજીક બાઇક સવાર પરણીતાની સાડી વ્હીલમાં ફસાતા બાઈક સ્લીપ થયું હતું. જે અકસ્માતમાં ઘવાયેલા યુવકના મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ લીલીયાના ખારા ગામે રહેતા ગૌતમભાઈ જેરામભાઈ વેકરીયા નામનો 37 વર્ષનો યુવાન અને તેની પત્ની દયાબેન વેકરીયા બાઈક લઈને અમરેલીથી ખારા ગામ જઈ રહ્યા હતા ત્યારે લીલાયા પાસે પહોંચતા બાઇક સવાર દયાબેનની સાડી બાઈકના વ્હીલમાં ફસાતા બાઈક ચાલક ગૌતમ વેકરીયાએ ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થયું હતું. જે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ગૌતમ વેકરીયાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નીવડે તે પૂર્વે મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક ગૌતમ વેકરીયા બે ભાઈ એક બહેનમાં વચેટ હતો અને તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. પત્ની દયાબેનની તબિયત નાજુક હોવાથી અમરેલી દવા લેવા ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.