ગરમીનું કાઉન્ટ-ડાઉન શરૂ, મે-જૂનમાં વરસશે અગનવર્ષા: અંબાલાલ પટેલ
ઉનાળો આકરો, ચોમાસું પણ સારુ જવાની હવામાન નિષ્ણાંતની આગાહી
ઠંડી હવે ગણતરીના કલાકોની મહેમાન છે, હવે જૂજ કલાકોમાં ગુજરાતમાં ગરમીનું આગમન થશે. આગામી 24 કલાક બાદ તાપમાનમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થતા ગરમીનો અહેસાસ થશે. જોકે, આ તો ટ્રેલર હશે, ભીષણ ગરમી તો મે-જુનમાં પડશે. તેમાં પણ આ વર્ષે ભીષણ ગરમીની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.
તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 15થી 16 ફેબ્રુઆરીના ફરી તાપમાન વધશે. ધીરે ધીરે 15 ફેબ્રુઆરીથી ગરમીની શરુઆત થઈ હોય તેવું લાગશે. 19થી 22 ફેબ્રુઆરીના વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો અહેસાસ થશે. ઉનાળું પાકના વાવેતર માટે સાનુકુળ વાતાવરણ થતું જશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ વર્ષે આકરો ઉનાળો રહેશે. 19-24 ફેરબુઆરીથી જ ગરમી શરુ થઇ જશે. ફેબ્રુઆરીમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી ઉપર જશે. આ વર્ષનો ઉનાળો ઉનાળુ પાક માટે સાનુકૂળ રહેશે. 4 માર્ચથી ગરમીમાં ઉતરોત્તર વધારો થશે. માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેશે. 20 એપ્રિલથી વધુ ગરમી પડશે. 26 એપ્રિલથી મહત્તમ તાપમાન 44 ડિગ્રી પાર જશે. 11 મેથી કાળઝાડ ગરમી પડશે.
તેમણે આગળ કહ્યું કે, મે મહિનામાં બંગાળની ખાડી અને અરબસાગરમાં હવાના હળવા દબાણ ઉભા થવાની શક્યતા છે. તેમજ 4 જૂનથી પણ બંગાળની ખાડી અને અરબસાગરમાં હવાના હળવા દબાણ ઉભા થવાની શક્યતા છે. જો કે રાહતના સમાચાર એ છે કે, ભારે ગરમી સહન કર્યા બાદ ચોમાસુ સારું રહેશએ. અન નીનોનો પ્રભાવ ઘટી જતા આ વર્ષે ચોમાસુ સારું જવાની ધારણા છે.