For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં સરકાર-સંગઠનમાં ફેરફારનું કાઉન્ટડાઉન શરૂ

03:43 PM Aug 26, 2025 IST | Bhumika
ગુજરાતમાં સરકાર સંગઠનમાં ફેરફારનું કાઉન્ટડાઉન શરૂ

વડાપ્રધાનના પ્રવાસ બાદ ઝડપથી બદલાતો રાજકીય ઘટનાક્રમ

Advertisement

સાંજે કેબિનેટની બેઠક, ટૂંક સમયમાં વિસ્તરણની વાતોથી ગાંધીનગરમાં વંટોળ

ગુજરાતમાં વડાપ્રધાન મોદીના પ્રવાસ બાદ અચાનક જ રાજકીય ગતિવિધીઓ તેજ થઇ ગઇ છે અને ગુજરાત સરકાર અને સંગઠનમાં ફેરફારોનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયાની ચર્ચાએ સચીવાલયમાં ભારે જોર પકડયું છે. આવતીકાલે સંવતસરીની રજા હોવાથી આજે સાંજે કેબીનેટ મંત્રી મંડળની બેઠક યોજાનાર છે. ત્યારબાદ મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા શરૂ થાય તેવી શકયતા છે. આ ઉપરાંત ગણેશ મહોત્સવ દરમિયાન જ નવા પ્રદેશ પ્રમુખનું નામ પણ જાહેર કરવામાં આવે તેવા નિર્દેશો મળ્યા છે.

Advertisement

ગઇકાલે ભાજપના ધારાસભ્યોની બેઠકમાં સી.આર. પાટીલે ‘આપણે નજીકના ભવિષ્યમાં હજુ બે વખત મળશુ’ તેવા કરેલા વિધાનો અને આજે સવારે વડાપ્રધાને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે રાજભવનમાં યોજેલી લાંબી બેઠક બાદ ગાંધીનગરમાં મોટા પાયે રાજકીય ચહલપહલ જોવા મળી રહી છે.
સુત્રોનું કહેવું છે કે, વડાપ્રધાન મોદીએ પ્રધાનમંડળમાં ફેરફારને લીલીઝંડી આપી દીધી છે અને અમુક ધારાસસ્યોને દિલ્હી બોલાવીને સુચના આપવાનું શરૂ કરાયું છે. સરકારના ટોચના સુત્રોનું કહેવું છે કે, ઉંમરલાયક, નાદુરસ્ત અને દાગી હોય તેમાં છથી આઠ પ્રધાનોને ઘરે બેસાડવામાં આવે અને 8 થી 12 જેટલા નવા ચહેરાઓને પ્રધાનપદની લોટરી લાગે તેવી શકયતા છે.

ગુજરાતમાં આગામી જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પાલિકા- મહાનગર પાલિકાઓની ચુંટણીઓ યોજાનાર છે. તે પૂર્વે અત્યારથી જ સરકારમાં અને સંગઠનમાં ફેરફારો કરવા જરૂરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. કેમ કે સરકાર સામે લોકોમાં વિવિધ કારણોસર અને ખુદ ભાજપમાં પણ નારાજગી વધી રહી છે. જયારે પ્રદેશ પ્રમુખની નિમણુંક બે વર્ષથી ઘોંચમાં પડતા કાર્યકરોમાં નકારાત્મક સંદેશો જઇ રહ્યો છે.

જયેશ રાદડિયાની દિલ્હીમાં અમિત શાહ સાથે સુચક મુલાકાત
યુવા સહકારી નેતા અને પૂર્વ કેબિનેટમંત્રી જયેશ રાદડીયાએ નવી દિલ્હી ખાતે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતને જાણકારો રાજકીય દ્રષ્ટીએ મુલવી રહયા છે. જો કે, જયેશ રાદડીયાનો સંપર્ક સાધતા તેમણે ગૃહમંત્રી અમિત શાહ સાથેની મૂલાકાતને રૂટીન ગણાવી હતી.

પ્રદેશ પ્રમુખના નામની પણ ગમે ત્યારે જાહેરાત
ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલની મુદત પુરી થવા છતાં લાંબા સમયથી તેમને યથાવત રાખવામાં આવ્યા છે. પરંતુ હવે નવા પ્રદેશ પ્રમુખના નામની ગમે ત્યારે જાહેરાત થઇ શકે છે. કદાચ આવતીકાલે ગણેશ ચતુર્થીના દિવસે પણ નવા પ્રમુખનું નામ જાહેર થવાની શકયતા દર્શાવાઇ રહી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને કેન્દ્રમાં મંત્રી પદ મળ્યા બાદ તેમણે અવાર નવાર પ્રમુખ પદની જવાબદારીમાંથી મુક્ત કરવાની માંગણી કરી છે. તાલુકા- જિલ્લા સંગઠનના પ્રમુખોની નિમણુંકો પણ પુર્ણ થઇ ગઇ છે છતાં હજુ સુધી પ્રદેશની નિમણુંક થઇ શકી નથી. તેથી સંગઠનમાં પણ અસમંજસની સ્થિતિ પ્રવર્તે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement