For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મંત્રીમંડળમાં ફેરફારનું કાઉન્ટડાઉન શરૂ: રાજકીય ધડાકા દિવાળી પહેલાં કે પછી?

11:55 AM Oct 14, 2025 IST | Bhumika
મંત્રીમંડળમાં ફેરફારનું કાઉન્ટડાઉન શરૂ  રાજકીય ધડાકા દિવાળી પહેલાં કે પછી

દિલ્હીમાં પી.એમ. મોદી, અમિત શાહની હાજરીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્મા, સંગઠનમંત્રી રત્નાકર અને પાટીલની અચાનક મેરેથોન બેઠકથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો

Advertisement

નવા-જૂનાનું કોમ્બિનેશન કે પછી આખા મંત્રીમંડળનું ઓપરેશન? મોટી નવા-જૂનીના રાજકીય અણસાર, કોણ કપાશે? અને કોણ ફાવશે? અટકળો- અનુમાનોનું બજાર ગરમ

"મુખ્યમંત્રીએ દિલ્હીમાં રોકાણ લંબાવ્યું, ગોધરા ખાતેના કૃષિ મહોત્સવમાં પણ ગેરહાજર”

Advertisement

ભાજપના નવા પ્રદેશ પ્રમુખની નિમણુંક બાદ ગુજરાતના રાજકારણમાં ફરી એક વખત ગરમાવો આવ્યો છે. નવી દિલ્હી ખાતે ગઇકાલે વડાપ્રધાન મોદી તથા ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્મા તેમજ સંગઠન મહામંત્રી રત્નાકર પાંડેની યોજાયેલ મેરેથોન બેઠક બાદ ગુજરાતના મંત્રીમંડળમાં ફેરફારોનું કાઉન્ટડાઉન શરૂ થયાનું માનવામાં આવે છે ત્યારે ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે કે, આખુ મંત્રીમંડળ બદલાશે? તે અંગે ચર્ચાઓ શરૂ થઇ છે.

આ ઉપરાંત મંત્રીમંડળમાં ફેરફારો દિવાળી પહેલા થશે કે દિવાળી બાદ તે અંગે પણ અટકળો શરૂ થઇ ગઇ છે. ગઇકાલે દિલ્હીમાં ચાલેલી લગભગ પાંચ કલાક લાંબી બેઠકમાં મંત્રીમંડળના નવા જુના ચહેરાઓના નામ ફાઇનલ થઇ ગયાનું અને ગમે ત્યારે રાજકીય નવાજુની થાય તેવું અનુમાન છે.

અચાનક દિલ્હીમાં યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠક બાદ ગુજરાતના મંત્રિમંડળમાં મોટા ફેરફારો થવાની સંભાવનાઓ પ્રબળ બની છે. આજે પણ આ મેરેથોન બેઠક ચાલુ રહી છે અને મુખ્યમંત્રી સહિતના નેતાઓે દિલ્હીમાં રોકાણ લંબાવી દીધું છે. આજે સવારે ગુજરાતમાં કૃષિ મહોત્સવનો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ થનાર હતો તેમાં પણ મુખ્યમંત્રી હાજર રહ્યા નથી અને તેના સ્થાને કૃષિમંત્રીએ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આ ઘટનાક્રમના કારણે ગુજરાતમાં ખુબ જ ઝડપથી રાજકીય નવાજુની થવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.

આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રી સહિતના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા, જેના પગલે હવે રાજ્યમાં મોટા રાજકીય ઓપરેશન થશે તેવી અટકળોએ જોર પકડ્યું છે.

સોમવારે કોઈપણ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ વિના જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર દિલ્હી પહોંચ્યા હતા. ત્યાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં ભાજપના પૂર્વ પ્રમુખ સી.આર. પાટીલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. છ કલાકથી વધુ સમય સુધી ચાલેલી આ બેઠક રાત્રે 11 વાગ્યા પછી પણ જારી રહી હતી, જેણે ગુજરાતના રાજકારણમાં મોટા ફેરબદલના સંકેતો આપ્યા છે.

દિલ્હીની આ મથામણ બાદ ગુજરાતના વર્તમાન મંત્રીમંડળમાં ભારે ઊચાટ જોવા મળી રહ્યો છે. કયા મંત્રીઓ ચાલુ રહેશે અને કયા મંત્રીઓની વિદાય થશે તેને લઈને તર્ક-વિતર્કો અને અટકળોનો દોર શરૂૂ થયો છે.

દરેક મંત્રીને કંઈક મોટી નવા-જૂની થવાના અણસાર આવી ગયા છે. આજે મંગળવારે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ પરત ફર્યા બાદ સ્થિતિ વધુ સ્પષ્ટ થવાની રાહ જોવાઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની છેલ્લા ત્રણ મહિનામાં વડાપ્રધાન સાથેની આ ત્રીજી મુલાકાત છે. અગાઉની મુલાકાતો બાદ પણ મંત્રિમંડળ વિસ્તરણની ચર્ચાઓ તેજ બની હતી, પરંતુ કોઈ નક્કર ઘટનાક્રમ જોવા મળ્યો ન હતો.

જોકે, આ વખતે ભાજપ સંગઠનના નેતાઓ માની રહ્યા છે કે આ બેઠકનું મહત્ત્વ ખૂબ જ અલગ છે, કારણ કે ગુજરાતના નેતાઓને દિલ્હીથી અચાનક તેડું આવ્યું હતું. મુખ્યમંત્રીએ પોતાના ગુજરાતના કેટલાક કાર્યક્રમોમાં પણ ફેરફાર કર્યા છે, જે આ અટકળોને વધુ વેગ આપે છે.

મંત્રિમંડળમાં ફેરફાર દિવાળી પહેલા થશે કે પછી, તે મુદ્દે પણ ગાંધીનગરના રાજકીય વર્તુળોમાં અસમંજસ અને ઊચાટ છવાયેલો છે. આ બેઠકમાં બોટાદની ઘટના, જ્યાં ખેડૂતો દ્વારા થયેલા વિરોધ પ્રદર્શનો અને પોલીસ સાથેના ઘર્ષણ અંગે પણ ચર્ચા થઈ હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. સ્થિતિની ગંભીરતાને જોતાં સરકાર આગામી દિવસોમાં તેના નિવારણાત્મક પગલાં ભરવા માટે પણ મંથન કરી શકે છે.

કોની થઇ શકે છે બાદબાકી ?
બચુભાઇ ખાબડ (ભ્રષ્ટાચારના કેસ)
ભીખુસિંહ પરમાર (પરફોર્મન્સ)
રાઘવજી પટેલ (સ્વાસ્થ્ય)
ભાનુબેન બાબરિયા (પરફોર્મન્સ)
જગદિશ પંચાલ (નવા પ્રદેશ પ્રમુખ)

મુખ્યમંત્રીએ પ્રથમ વખત તસવીર શેર કરી નહીં
આ બેઠકની ગુપ્તતા અને ગંભીરતા એ હકીકત પરથી સ્પષ્ટ થાય છે કે વડાપ્રધાન કે મુખ્યમંત્રીએ આ બેઠક અંગે કોઈ પણ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી ન હતી. ઉપરાંત, આ બેઠકમાં સી.આર. પાટીલને ખાસ હાજર રાખવામાં આવ્યા હતા, જે દર્શાવે છે કે ચર્ચાઓ અત્યંત મહત્ત્વપૂર્ણ અને ગંભીર પ્રકારની હતી. દિલ્હીમાં રાતભર ભાજપના અન્ય નેતાઓ પણ ગુજરાતમાં શું બનશે તે અંગે માહિતીના અભાવે આપસમાં ચર્ચા કરતા રહ્યા હતા. મુખ્યમંત્રી કાર્યાલયમાંથી મળતી અસામાન્ય માહિતીએ અન્ય વિભાગોમાં પણ હડકંપ મચાવ્યો હતો.

નવા પ્રધાનમંડળમાં કોની થઇ શકે છે એન્ટ્રી?

જયેશ રાદડીયા
ગણપત વસાવા
અર્જુન મોઢવાડીયા
પ્રકાશ વરમોરા
જીતુ વાઘાણી
શંકર ચૌધરી
સી જે ચાવડા
અલ્પેશ ઠાકોર
હાર્દિક પટેલ
વિનુ મોરડીયા
નરેશ પટેલ

હાલ કોનું નામ ચર્ચામાં ?
મનિષા વકીલ
નિમિષા સુથાર
પાયલ કુકરાણી
માલતી મહેશ્વરી
સંગીતા પાટીલ

આ પ્રધાનો પર નિર્ણય અંતિમ બેઠકમાં લેવાશે ?
કુબેર ડિંડોર
કનુ દેસાઇ
મુકેશ પટેલ
કુંવરજી હળપતિ

Advertisement
Tags :
Advertisement
Advertisement