જામનગરની રંગમતી નદીના કામમાં ભ્રષ્ટાચાર, વિજીલન્સ તપાસની માંગ
જામનગર શહેરના રંગમતી નદીના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસે 40 ટકા કમીશન લખેલા ક્યુઆર કોડ છાપેલા જેકેટ બેનરો ધારણ કરી સ્ટેન્ડીંગ કમિટીની બહાર ધરણાં કરી રામધૂન બોલાવી આવેદનપત્ર ચોટાડ્યું હતું. એપ્રિલ માસની 15થી જુન માસના અંત ભાગ સુધી રંગમતી નદી ઉંડી ઉતારવાની કામગીરી શરુ થઈ હતી. જેના ખર્ચની જંગી રકમનું ચુકવણું કરવા સ્ટે. કમિટીએ ઠરાવ કર્યા બાદ શહેર કોંગ્રેસ પ્રમુખ દીગુભા જાડેજા, મહામંત્રીઓ, વિવિધ સેલના હોદ્દેદારો, વિપક્ષી નેતા ધવલભાઈ નંદા અને કોર્પોરેટરો તેમજ અન્ય કાર્યકરોએ 40 ટકા કમિશન લખેલા જેકેટ બેનરો ધારણ કરીને સ્ટેન્ડિ કમિટી નહીં સેટીંગ કમિટી સહિતના આક્ષેપો સાથે નારા બોલાવ્યા બાદ ચેરમેન ચેમ્બર ઉપર આવેદન ચોટાડયું હતું.
જેમાં જણાવ્યું છે. કે, કામનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું નથી. લાગતા-વળગતાને મોટો લાભકરાવવા તમામ નિયમોને નેવે મુકીને પોતાની પ્રાઈવેટ પેઢી હોય તેમ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ ભષ્ટાચાર કર્યો છે. જેની વીજીલન્સ તપાસ થવી જરુરી છે. આજ રીતે ભૂગર્ભ ગટરનું વોર્ડ નંબર-6, 7, 11, 12 અને 16માં ભુગર્ભ ગટરના કામમાં ભયંકર ભષ્ટાચાર થયો છે. જે એજન્સીએ કામ કર્યું છે. તે સત્તાધારી પાર્ટીના નેતાની ભાગીદારીની હોવાનો પણ આક્ષેપ કરાયો છે. કોંગ્રેસ દ્વારા આવેદન વેળાએ સ્થાનિક હોદેદારો અને કાર્યકરો જોડાયા હતાં , આક્ષેપો સાથે સૂત્રોચ્ચારો પણ કર્યા હતાં.