ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાજપના MLA શંભુજી ટુંડિયા ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો, તાલુકા પ્રમુખે તોપ ફોડી

04:31 PM Jul 14, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

ભાવનગરના લીમડા ગામે યોજાયેલ સરપંચ સંમેલનમાં જ આક્ષેપ બાજીથી સન્નાટો

Advertisement

કોઝ-વે, મામલતદાર કચેરી, હાઇવેના કામોમાં કોન્ટ્રાક્ટરોને દબાવીને ભ્રષ્ટાચાર આચરાતો હોવાનો આરોપ

ગુજરાત ભાજપમાં ધીરેધીરે આંતરિક કલહ સામે આવી રહ્યો છે અને ધારાસભ્યો તથા સંગઠનના હોદેદારો વચ્ચે ટક્કરના કિસ્સા વધી રહ્યા છે. ત્યારે ભાવનગર અને મહેસાણા જિલ્લામાં પણ આવાજ બનાવો બહાર આવ્યા છે.

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીમાં ચાલી રહેલો આંતરિક વિવાદ હવે ખુલ્લેઆમ સપાટી પર આવી ગયો છે. ભાવનગર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશ લંગાળીયાએ સ્થાનિક ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા સામે ગંભીર આરોપો લગાવીને મોરચો માંડ્યો છે.

આ વિવાદની શરૂૂઆત લીમડા ગામે યોજાયેલા 37 ગામના સરપંચોના સન્માન સમારોહથી થઈ, જ્યાં મુકેશ લંગાળીયાએ ધારાસભ્ય શંભુનાથ ટુંડિયાની કાર્યપદ્ધતિ અને તેમની આસપાસના લોકો પર સીધો આક્રોશ વ્યક્ત કર્યો.

પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળીયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ધારાસભ્ય શંભુનાથ ટુંડિયાની આસપાસ ચારથી પાંચ વ્યક્તિઓ ફરે છે જેઓ માત્ર ભ્રષ્ટાચાર આચરે છે, અને આશ્ચર્યની વાત એ છે કે ધારાસભ્ય તેમને છાવરે છે.

લંગાળીયાએ વલ્લભીપુર તાલુકામાં ચાલી રહેલા વિકાસના કાર્યોમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો. તેમણે જણાવ્યું કે, વલ્લભીપુર તાલુકામાં કોઝ-વે, મામલતદાર કચેરીના કામો, તેમજ નેશનલ હાઈવેના નિર્માણ કાર્યોમાં કોન્ટ્રાક્ટરોને દબાવીને ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. આ આરોપો ભાજપના જ એક વરિષ્ઠ નેતા દ્વારા તેમના જ પક્ષના ધારાસભ્ય પર લગાવવામાં આવતા, રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

આ આંતરિક વિખવાદ આગામી દિવસોમાં ભાવનગર જિલ્લા ભાજપમાં કયો વળાંક લે છે અને પક્ષનું મોવડીમંડળ આ મામલે શું પગલાં ભરે છે તે જોવું રસપ્રદ રહેશે. આ ભ્રષ્ટાચારના આરોપોથી સ્થાનિક લોકોમાં પણ રોષ વ્યાપી શકે છે.

બહુરાજીમાં પણ ધારાસભ્ય અને તાલુકા ભાજપ પ્રમુખ વચ્ચે બાંકાઝીંકી

મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદ ચરમસીમા પર પહોંચ્યો છે. તાજેતરમાં યોજાયેલા નવા ચૂંટાયેલા સરપંચોના સન્માન સમારોહમાં સ્થાનિક ધારાસભ્ય સુખાજી ઠાકોર ની ગેરહાજરીએ આ વિવાદને વધુ વેગ આપ્યો છે, જેના પગલે તાલુકા ભાજપ પ્રમુખ કમલેશ દેસાઈ અને ધારાસભ્ય સુખાજી ઠાકોર વચ્ચે ગંભીર આરોપ-પ્રતિઆરોપનો દોર શરૂૂ થયો છે.

તાલુકા ભાજપ પ્રમુખ કમલેશ દેસાઈએ ધારાસભ્ય સુખાજી ઠાકોર પર ગંભીર આરોપો લગાવ્યા છે. દેસાઈએ જણાવ્યું કે, ધારાસભ્ય સુખાજી ઠાકોર બહુચરાજીમાં જ હાજર હોવા છતાં સરપંચ સંમેલનમાં હાજર રહ્યા નહોતા. તેમણે ભૂતકાળના દાખલા ટાંકતા કહ્યું કે, ભૂતકાળમાં પણ અમારા ઘણા કાર્યક્રમોમાં તેઓ હાજર રહ્યા નથી. દેસાઈએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ભાજપના તાલુકા સંગઠન અને સ્થાનિક ધારાસભ્ય વચ્ચે સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે.

કમલેશ દેસાઈએ સુખાજી ઠાકોર પર એવો પણ આરોપ મૂક્યો કે ભાજપે પ્રમુખ બનાવ્યા હોવા છતાં, ધારાસભ્ય કાર્યાલય હોવા છતાં, તેમણે અલગ કાર્યાલય બનાવ્યા છે. કમલેશ દેસાઈના મતે, આ બાબતો દર્શાવે છે કે ધારાસભ્ય તાલુકા સંગઠનને વિશ્વાસમાં લેતા નથી.

તાલુકા પ્રમુખના આરોપોના જવાબમાં, ધારાસભ્ય સુખાજી ઠાકોરે પણ કમલેશ દેસાઈ પર ગંભીર વળતા પ્રહારો કર્યા છે. ઠાકોરે આક્ષેપ કર્યો કે, તાલુકા પ્રમુખે ચૂંટણીમાં મારી વિરુદ્ધ કામ કર્યું છે. સુખાજી ઠાકોરે પોતાની ગેરહાજરીનો બચાવ કરતા કહ્યું કે, તેમને કાર્યક્રમ માટે ફક્ત એક દિવસ અગાઉ આમંત્રણ મળ્યું હતું. તેમણે સ્પષ્ટતા કરી કે, ધારાસભ્ય તરીકે તેમના કાર્યક્રમો અગાઉથી નિર્ધારિત હોય છે, જેના કારણે તેમને સમયસર પહોંચવું શક્ય બન્યું નહોતું. તેમણે કમલેશ દેસાઈ પર ધારાસભ્ય કે અન્ય કોઈ કાર્યકરને વિશ્વાસમાં લીધા વગર કાર્યક્રમો યોજતા હોવાનો પણ આરોપ લગાવ્યો, જે દર્શાવે છે કે બહુચરાજી ભાજપમાં આંતરિક ખેંચતાણ ટોચ પર છે અને આગામી સમયમાં આ વિવાદ કયો વળાંક લે છે તે જોવું રસપ્રદ રહેશે.

Tags :
bhavnagarbhavnagar newsBJP MLA Shambhuji Tundiyagujaratgujarat news
Advertisement
Advertisement