900 લારી-ગલ્લાવાળાઓને કોર્પોરેશન જગ્યા ફાળવશે
રાજકોટ શહેરમાં ટ્રાફિક સમસ્યાનું એક કારણ મુખ્ય માર્ગો ઉપર દબાણ કરીને ઉભા રહેતા લારી-ગલ્લાવાળાઓ પણ રહ્યા છે. જેની સામે મહાનગરપાલિકાના દબાણ હટાવ વિભાગ દ્વારા રોજે રોજ કાર્યવાહી કરવામાં આવી રહી છે. છતાં આજ સુધી આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. ત્યારે ગઈકાલે જનરલ બોર્ડમાં વોકર્સઝોન માટે કમિટિની રચના કરવાની દરખાસ્ત મંજુર કરવામાં આવી છે. આથી મનપાએ અલગ અલગ વોકર્સઝોનમાં 900 જગ્યા ઉપર લારી ગલ્લા મુકી ધંધો રોજગાર કરવા માટે ધંધાર્થીઓને જગ્યા ફાળવવાનો નિર્ણય લીધો છે. દરેક રોડ ઉપર ઉભા રહેતા દરેક લારી-ગલ્લાવાળાઓ વોકર્સઝોનમાં કાયમી જગ્યા માટે મનપાની દબાણ હટાવ શાખાનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
રાજકોટ શહેરમાં મુખ્યમાર્ગો ઉપરથી દરરોજ 20 થી 30 લારી ગલ્લાઓ તેમજ પાથરણા, બોર્ડબેનર સહિતના દબાણો દૂરક રવામાં આવી રહ્યા છે. દબાણ હટાવ વિભાગની અલગ અલગ ટીમો દ્વારા સવારથી મોડી રાત સુધી સતત દબાણ હટાવ કામગીરી કરવી પડી રહી છે. જેમાં અનેક વખત ઘર્ષણો પણ થાય છે. છતાં આજ સુધી મુખ્યમાર્ગો ઉપરથી દબાણો દૂર થઈ શક્યા નથી. જેના લીધે સરકાર દ્વારા સ્ટ્રીટ વેન્ડર પોલીસી જાહેર કરાય છે. જે મુજબ દરેક વોકર્સઝોનનું સંચાલન કરવા માટે કમિટિ બનાવવામાં આવશે. જેમાં શહેરના 87 વોકર્સઝોનના ધંધાર્થીઓ પૈકી 6 ધંધાર્થીઓની ચૂંટણી યોજી તેમની નિમણુંક કરાશે તેવી જ રીતે આ કમિટિમાં મનપાના અધિકારી તેમજ સમિતિના પદાધિકારી તથા સંસ્થાના શ્રેષ્ઠીઓ સહિતનાનો સમાવેશ કરવામાં આવશે.
જે આ વોકર્સઝોનને નિયમીત રીતે ચેક કરી તમામ કાર્યવાહી કરશે. પરંતુ વોકર્સઝોન ઘણા સમયથી શહેરમાં બની ગયેલા છે અને મનપા દ્વારા ફક્ત માસીક રૂા. 500 લઈને ધંધાર્થીને જગ્યા ફાળવવામાં આવી રહી છે. છતાં અમુક ચોક્કસ સ્થળે ઉફા રહેતા લારી ગલ્લાવાળાઓને અન્ય સ્થળે પોતાનો ધંધો નહીં ચાલે તેવી બીક હોવાનાકારણે આ પ્રકારના દબાણો દૂર થતાં નથી. હાલ અલગ અલગ વિસ્તારોમાં 87 વોકર્સઝોન છે. જેમાં 900થી વધુ જગ્યાખાલી થયેલ છે. તે જગ્યા ઉપર નવા ધંધાર્થીઓને બેસાડવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
મનપાના એસ્ટેટ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ મનપા સંચાલિત 87 વોકર્સઝોનનું સંચાલન ટુંક સમયમાં કમિટિ દ્વારા કરવામાં આવશે. ત્યાર બાદ રાજકોટ શહેરના મુખ્યમાર્ગો તેમજ અન્ય સ્થળે નડતરરૂપ તથા મનાપની માલીકીના પ્લોટ ઉપર દબાણો કરીને ઉભેલા તમામ ધંધાર્થીઓને હટાવવાની કડક ઝુંબેશ હાથધરવામાં આવશે. આથી હાલ મુખ્યમાર્ગો ઉપર ઉભા રહીને ધંધો કરતા ધંધાર્થીઓએ દબાણ વિભાગની ઝુંબેશનો ભોગ ન બનવું હોય તો આગામી દિવસોમાં પોતાના વિસ્તારમાં આવેલ વોકર્સઝોનમાં જગ્યા નક્કી કરી દબાણ હટાવ વિભાગમાં આ જગ્યા માટે અરજી કરવાની રહેશે. ત્યાર બાદ દબાણ હટાવ વિભાગ કાયમી ધોરણે આ ધંધાર્થીને જગ્યા ફાળવી દર મહિને રૂા. 500 ભાડુ અને રૂા. 500 સફાઈ કરના વસુલશે આથી તમામ લારી ગલ્લાવાળાઓએ દબાણ હટાવ વિભાગનો સંપર્ક કરવા જણાવાયું છે.
શહેરના મુખ્યમાર્ગો ઉપરથી વધુ 694 રેંકડી-કેબિન પાથરણા જપ્ત
દબાણ હટાવ વિભાગ દ્વારા મવડી મેઈન રોડ,પુષ્કરધામ મેઈન રોડ,ભીમનગર મેઈન રોડ,રામાપીર ચોકડી, કોઠારીયા સોલવન્ટ, કોઠારીયા મેઈન રોડ,સાંઈબાબા સર્કલ, જ્યુબેલી માર્કેટ, જામનગર રોડ, ગુંદાવાડી, ગાયત્રીનગર મેઈન રોડ પાસેથી રસ્તા પર નડતર રૂૂપ 65 રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી. રૈયાધાર, જ્યોતિનગર,નાણાવટી ચોક,પંચાયત ચોક,ગોવિંદબાગ,નાના મૌવા મેઈન રોડ,પારેવડી ચોક,પાંજરાપોળ હોકર્સ ઝોન,પેડક રોડ,કુવાડવા રોડ,આનંદબંગલા ચોક ,અર્ટીકા,રવિરત્ન પાર્ક ,જામનગર રોડ,કોર્ટ ચોક,ગાયાત્રીનગર,હોસ્પિટલ ચોકડી પરથી જુદીજુદી અન્ય 287 પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવેલ. જંક્શન રોડ,જ્યુબેલી,પંચાયત ચોક,રામાપીર ચોકડી,પુષ્કરધામ મેઈન રોડ,માધાપર રિંગ રોડ,લક્ષ્મિનગર નાલા પાસેથી 1752 કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવેલ. કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પેડક રોડ,ભાવનગર રોડ,પુષ્કરધામ મેઈન રોડ,,યુનિ.રોડ,નાણાવટી ચોક,રૈયા રોડ, મવડી વિસ્તાર, સ્વામીનારાયાણ ચોક,ઢેબર રોડસોરથીયાવાડી પાસે થી રૂૂ.30,750/- મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે. સંતકબીર રોડ,ધરાર માર્કેટ,કોઠારીયા રોડ,મોરબી રોડ,ભાવનગર રોડ,કુવાડવા રોડ 80ફુટ રોડ,અર્ટિકા ફાટક,જામનગર રોડ,ટાગોર રોડ,આનંદબંગલા ચોક,મવડી મેઈન રોડ,આહિર ચોક પરથી રૂૂ.98,350/- વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. કાલાવડ રોડ,યુનિ. રોડ , ચોક સુધી,સાધુવાસવાણી રોડ, કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પેડક રોડ,ભાવનગર રોડ, ઢેબર રોડ,જામનગર રોડ,ટાગોર રોડ,રેસકોર્ષ રિંગરોડ, પરથી 629 બોર્ડ-બેનર જપ્ત કરેલા છે.