ન્યુ રાજકોટમાં કોર્પોરેશનની નાદારી, સ્વખર્ચે રસ્તા રિપેર કરાવવા લોકો મજબૂર
બેથી પાંચ કરોડના ફલેટ ખરીદનારાઓ ચાલી પણ શકે નહીં તેવો કાદવ-કીચડ જામ્યો
અનેક રજૂઆતો છતા કોર્પોરેશનના બાબુઓ કે કોર્પોરેટરો ફરકયા જ નહીં
રાજકોટ મહાનગરપાલિકા તંત્રના અણધડ વહીવટના કારણે ચોમાસુ શરૂ થતા જ શહેરીજનો કાદવ-કીચડ અને વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી ભારે પીડા ભોગવી રહ્યા છે ત્યારે ન્યુ રાજકોટમાં આવતા વિસ્તારોની હાલત તો 18મી સદીના ગામડા યુગ જેવી થઇ ગઇ છે. દર વર્ષે કોર્પોરેશનમાં નિયમિત તમામ વેરા ભરતા અને શાસકપક્ષ ભાજપને તગડી લીડ આપતા લોકોને કાદવ-કીચડ ખુંદવાનો વારો આવ્યો છે. હાડમારીની રજુઆતો બહેરા કાને અથડાતા અંતે લોકોએ જાતે જ રસ્તા રિપેર કરવાનું શરૂ કરી દીધું છે.
શહેરના નવા રિંગરોડ ઉપર કટારીયા ચોકડીથી પરસાણા ચોકડી વચ્ચેના નવા ડેવલોપ થયેલા વિસ્તારોની હાલત ચોમાસાની શરૂઆત સાથે જ કફોડી બની ગઇ છે. આ વિસ્તારમાં રૂા.બે કરોડથી માંડી પાંચ કરોડના ફલેટ ખરીદનાર લોકો માત્ર રસ્તા જેવી પ્રાથમિક સુવિધા નહીં હોવાથી ભારે પીડા ભોગવી રહ્યા છે.
આ વિસ્તારમાં ફકાય ડાયમંડ અને ઝેન ગાર્ડન વચ્ચેનો 60 ફુટનો રોડ પ્રથમ વરસાદથી જ કીચડમાં ફેરવાઇ ગયો છે. આ રોડ ઉપર ઘુટણ ડુબ કાદવ જામ્યો હોવાથી કોર્પોરેશનમાં અને કોર્પોરેટરોને અનેક રજુઆતો કરવા છતાં કોઇ જવાબ નહીં મળતા અંતે આ વિસ્તારના લોકોએ જાતે જ પોતાના ખર્ચે બાંધકામનો કાટમાળ પથરાવી રસ્તા ચાલવા લાયક બનાવ્યા છે.
લોકોએ રોષભેર જણાવ્યું હતું કે, કાચા રસ્તાઓ ઉપર એટલી હદે કાદવ-કીચડ જામ્યા છે કે, ચાલીને પણ જઇ શકાય તેમ નથી. આ અંગે મહાનગરપાલિકા અને કોર્પોરેટરો સમક્ષ અનેક વખત રજુઆત કરવા છતા કોઇ મુલાકાત લેવા પણ નહીં આવતા અમે અમારા ખર્ચે રસ્તા રીપેર કરાવવાનું કામ શરૂ કરી દીધું છે.
આ વિસ્તારમાં વિવિધ બિલ્ડીંગોમાં 1500 થી 1700 લકઝરી ફલેટ છે પરંતુ રસ્તા જેવી પ્રાથમીક સુવિધા પણ ન હોવાથી લોકોને ભારે હાડમારી વેઠવી પડે છે. ટુ વ્હીલર પણ ચાલી શકે નહીં તેટલો કાદવ હોવાથી મહીલાઓ- બાળકોને ઘરોમાં જ ભરાઇને રહેવું પડે છે. અંતે ના છુટકે લોકોએ પોતાના ખર્ચે જેસીબીથી કાદવ સાફ કરાવી બાંધકામ કાટમાળ પાથરી રસ્તા ચાલવા લાયક બનાવવાની ફરજ પડી છે.