કોરોનાના વળતા પાણી, એક તરૂણી સહિત નવા 6 પોઝિટિવ
રાજકોટ શહેરમાં કોરોનાના વળતા પાણી થઈ રહ્યા હોય તેમ દિવસેને દિવસે પોઝિટિવ કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેની સામે રિકવરી રેટ પર ઉચો જતાં કોરોનાના દર્દીઓ ઝડપથી સાજા થઈ રહ્યા છે. આજે 24 કલાક દરમિયાન એક 14 વર્ષની તરુણી સહિત નવા 6 પોઝીટીવ દર્દી નોંધાતા આજ સુધીના કેસનો કુલ આંકડો 178 એ પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં 124 દર્દીઓ સાજા થયા છે અને 54 દર્દી સારવાર હેઠળ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
શહેરમાં આજે એક તરૂણી સહિત નવા 6 કોરોના પોઝિટિવ કેસ નોધાયા છે. જેમાં વોર્ડ નં. 11 જીવરાજપાર્ક મહિલા ઉ.વ. 23, વોર્ડ નં. 2 અવંતી પાર્ક પુરુષ ઉ.વ. 37, વોર્ડ નં. 10 આફ્રિકા કોલોની મહિલા ઉ.વ. 41, વોર્ડ નં. 5 એલપી પાર્ક તરુણી ઉ.વ. 14, વોર્ડ નં. 10 તિરુપતિ નગર મહિલા ઉ.વ. 72 અને વોર્ડ નં. 14 ભક્તિનગર સર્કલ પુરુષ ઉ.વ. 65 સહિત નવા છ કેસ નોંધાયા છે.
જે પૈકી વોર્ડ નં. 5ના દર્દી તરુણી અને વોર્ડ નં. 10ની મહિલા દર્દીએ વેક્સિનના ડોઝ લીધા ન હોવાનું જાણવા મળેલ છે. તેમજ વોર્ડ નં. 2 અને વોર્ડ નં. 10 ના દર્દીની ટ્રાવેલ્સ હિસ્ટ્રી સુરેન્દ્રનગર અને અમદાવાદ હોવાનું જાણવા મલેલ છે. હાલ તમામ દર્દીઓની સ્થિતિ સ્ટ્રેબલ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
કોરોનાના કેસમાં છેલ્લા ચાર દિવસથી રોજે રોજ ઘટાડો જોવા મળી રહ્યો છે. છતાં તંત્ર દ્વારા આરોગ્ય લક્ષી કામગીરી અંતર્ગત કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા તેમજ કોરોનાના કેસની વિગતો તંત્રને આપવા સહિતનો અનુરોધ કરવામાં આવી રહ્યો છે. તા. 19 મેથી શરૂ થયેલ કોરોનાના કેસમાં 20 દિવસ સતત વધારો જોવા મળ્યો હતો. પરંતુ છેલ્લા ચાર દિવસથી ઘટાડો જોવાતા તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો છે.