કોરોના તો ખરેખર ડરાવી રહ્યો છે! રાજકોટમાં કોરોનાથી પહેલું મોત,રાજ્યમાં એક્ટીવ કેસોની સંખ્યા 1,000ને પર
રાજ્યભરમાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યું છે. દરરોજ મોટી સંખ્યામાં કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં કોરોના વાઇરસનો કહેર સતત યથાવત્ રહ્યો છે. ત્યારે રાજકોટમાં કોરોનાથી પહેલું મોત થયું છે. 55 વર્ષીય આધેડનું સિવિલ હોસ્પિટલમાં મોત થયું છે.
મળતી માહિતી અનુસાર, 55 વર્ષીય આધેડમાં છેલ્લા ચાર દિવસથી કોરોનાનાં લક્ષણો હતાં. અને 3-4 દિવસ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન આધેડનું મોત થયું હતું. દર્દી હાઇપરટેન્શનની બીમારીથી પણ પીડિત હતા અને ડાયાબિટીસની બીમારી પણ 3 દિવસ પહેલાં ડિટેકટ થઇ હતી.
રાજકોટમાં કોરોનાના કેસમાં નોધપાત્ર વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે વધુ 9 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં 3 મહિલા અને 6 પુરુષનો સમાવેશ થાય છે. આ નવા કેસો સાથે રાજકોટમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 116 પર પહોંચી ગઈ છે. આ બધાની વચ્ચે એક રાહતના સમાચાર એ છે કે આજે 7 દર્દીને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યા છે.
રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1109 છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 235 કોરોનાના નવા કેસ નોંધાયા છે. કોરોનાના 33 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.