રાજકોટમાં કોરોનાએ બીજો ભોગ લીધો, વધુ 8 કેસ
ખાટકીવાસના વૃધ્ધાએ દમ તોડયો, બે બાળકો સહિત આઠને કોરોના વળગ્યો, કુલ આંકડો 200 નજીક
કાળમુખા કોરોનાએ ફરી હાહાકાર મચાવ્યો હોય તેમ રાજકોટ સહિત રાજ્યભરમાં અજગર ભરડો લઈ રહ્યો છે અને દરરોજ અનેક લોકો કોરોનાની ઝપટે ચડી રહ્યાં છે ત્યારે રાજકોટમાં કોરોના જીવલેણ નિવેડ્યો હોય તેમ વધુ એક વૃધ્ધાનું કોરોનાથી મોત નિપજતાં તંત્રમાં ચિંતા પ્રસરી છે. જ્યારે બે વર્ષના માસુમ સહિત આઠ લોકોના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતાં પોઝીટીવ આંકડો 200 નજીક પહોંચ્યો છે. જેમાં હાલ 51 દર્દી સારવાર લઈ રહ્યાં છે. જ્યારે 144 લોકો સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ કોરોનાએ ફરી માથુ ઉંચકતા રાજકોટમાં અનેક લોકો કોરોનાની ઝપટે ચડયા છે. કોરોનાએ વધુ એક ભોગ લીધો હોય તેમ અગાઉ એક વૃધ્ધાનું મોત નિપજ્યા બાદ વધુ એક વૃધ્ધાનું મોત નિપજ્યું છે. જેમાં શહેરની મધ્યમાં યાજ્ઞીક રોડ પર આવેલા એક વિસ્તારમાં રહેતા 65 વર્ષના વૃધ્ધાની ગત તા.12ના રોજ તબીયત લથડતાં ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં જ્યાં તેમની તબિયત નાજુક જણાતાં વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. જ્યાં તેમનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવતાં વૃધ્ધાનું વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતાં. વૃધ્ધાનું ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બીછાને મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. જ્યારે તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
પ્રાથમિક તપાસમાં મૃતક વૃધ્ધાએ વેકશીન નહીં લીધી હોવાનું અને ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતાં નહીં હોવાનું જાણવા મળ્યું છે.કોરોનાના કેસમાં સતત ઉછાળો આવી રહ્યો છે ત્યારે રાજકોટમાં આજે બે વર્ષના માસુમ બાળક સહિત આઠ લોકો કોરોનાની ઝપટે ચડયા છે. જેમાં યુનિવર્સિટી રોડ પર રહેતા પરિવારના બે વર્ષનો બાળક, યુનિવર્સિટી રોડ પરના 50 વર્ષના મહિલા, તુલસી પાર્કના 15 વર્ષના સગીર, ઘંટેશ્ર્વરના 18 વર્ષના યુવક, મવડી રોડ પર 34 વર્ષની પરિણીતા, એરપોર્ટ રોડ પર રહેતા 83 વર્ષના વૃધ્ધ, વેકરીયા રોડ પરના 39 વર્ષના યુવાન અને ગીતાનગરના 37 વર્ષની પરિણીતાના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. જેમાં ઘંટેશ્ર્વરના યુવકની અમદાવાદ એરપોર્ટના વૃધ્ધની ગોધરા અને વેકરીયા રોડ પરના યુવકની ગીર તરફની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે. પોઝીટીવ આવેલા બાળક સહિતના આઠ દર્દીઓની તબિયત હાલ સ્ટેબલ હોવાનું જાણવા મળ્યું છે.