મફત શિક્ષણના નામે આદિવાસીઓનું ધર્મપરિવર્તન: મોરારિબાપુનો ધડાકો
ગુજરાતમાં ફરી એકવાર ધર્મ પરિવર્તનની વાતને લઇને ચર્ચા તેજ થઇ છે. તાજેતરમાં જ જાણીતા કથાકાર મોરારિ બાપુએ પણ હવે આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. મોરારિ બાપુએ પોતાની એક રામ કથા દરમિયાન સરકારને જાણકારી આપી છે કે, ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં મફત શિક્ષણના નામે હિન્દુઓનુ ધર્મ પરિવર્તન થઇ રહ્યું છે. જોકે, મોરારિ બાપુની આ ચિંતા બાદ તરત જ ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કડક આદેશો આપીને કાર્યવાહી કરવાની વાત કરી છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ધર્મ પરિવર્તનની વાતને લઇને રાજકારણ ગરમાયુ છે, હવે આ કડીમાં મોરારિ બાપુએ પણ પોતાનો મત વ્યક્ત કર્યો છે. તાજેતરમાં જ દક્ષિણ ગુજરાતમાં તાપી જિલ્લામાં મોરારિ બાપુની એક રામ કથા યોજાઇ હતી, તાપીના સોનાગઢમાં કથા દરમિયાન મોરારિ બાપુને જાણકારી મળી હતી કે, અહીં આદિવાસીઓને ધર્મ પરિવર્તન કરાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. આ વાતને લઇને મોરારિ બાપુનું હ્રદય દ્રવી ઉઠ્યુ અને સરકારને રજૂઆત કરી હતી.
મોરારિ બાપુએ પોતાની રજૂઆતમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાં મફત શિક્ષણ આપવાના બહાને કેટલાક લોકો આદિવાસી ભાઇ-બહેનનું ધર્મ પરિવર્તન કરાવી રહ્યાં છે, જે ગંભીર બાબત છે. સરકારે આવા આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોમાં શાળાઓ સ્થાપવી જરૂૂરી છે. કથાકાર મોરારિ બાપુની વાત અને રજૂઆતને ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ ગંભીરતાથી લીધી છે, હર્ષ સંઘવીએ આ મુદ્દે કહ્યું કે, આદિવાસી ભાઈ-બહેનો ભગવાનનું બીજુ સ્વરૂૂપ છે, આદિવાસી ભાઈ-બહેનોને ખોટા રસ્તે લઈ જનારા સામે કાર્યવાહી થશે. ધર્મ પરિવર્તન કરાવી ફસાવાનો પ્રયાસ કરનારા કોઈ નહીં બચે. નિર્દોષોને ફસાવનારા કોઈ પણ કાયદાથી નહીં બચી શકે.