સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી રજિસ્ટ્રારની ભરતીની જાહેરાતમાં ઉંમરના મામલે વિવાદ
કુલસચિવની કાયમી ભરતીની જાહેરાતમાં વયમર્યાદાનો છેદ ઉડ્યો: કુલપતિને રજૂઆત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી રજિસ્ટ્રાર અને પરીક્ષા નિયામક માટે 13 સપ્ટેમ્બરે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી હતી જેમાં રજિસ્ટ્રારની કાયમી ભરતીમાં ઉમરની જોગવાઈને લઈને હાલ વિવાદ થયો છે. જે અંગે કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે કુલપતિને પણ ફરિયાદ કરી છે જેમાં આક્ષેપ કર્યો છે કે, વર્તમાન ઇન્ચાર્જ રજિસ્ટ્રાર કાયમી ભરતીનો લાભ લઈ શકે તે માટે ભરતીમાં ઉમરની જોગવાઈ હટાવી દેવામાં આવી છે. યુજીસીના નિયમ મુજબ ભરતી માટે 57 વર્ષની વય મર્યાદા નક્કી કરવામાં આવી છે.
વધુમા કોંગ્રેસના વિદ્યાર્થીનેતાએ આક્ષેપો કર્યા હતા કે વર્તમાન ઇન્ચાર્જ રજિસ્ટારના નિવૃત્તિનો થોડો સમય બાકી છે ત્યારે નવી જાહેરાતમા વયમર્યાદા દૂર કરી પોતે કાયમી રજીસ્ટાર થઈને સરકારની નિવૃતિના મોટા લાભ લેવા માટે આ ચાલ રમી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ રજિસ્ટારની ભરતીની કરેલ 2015ની જાહેરાતમા વયમર્યાદાની 50 હતી બાદમા 2019મા ભરતીની જાહેરાતમા વયમર્યાદા 55 હતી તો શા માટે અચાનક 2024ની ભરતીમા વયમર્યાદાનો છેદ ઉડાવામા આવ્યો ? જે રાજ્યના શિક્ષણવિભાગ અને યુજીસીના પરિપત્રનો ઉલાળિયો કર્યો છે જે અંગે આવનાર દિવસોમા ઉચ્ચતર શિક્ષણવિભાગમા રજૂઆત કરી નિયમુનસાર ભરતી કરાવીશુ.
કુલપતિને કરેલી રજૂઆતમાં કોંગ્રેસના રોહિત રાજપૂતે કહ્યું છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં જ કાયમી રજિસ્ટ્રારની ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી હતી,પરંતુ આ જાહેરાતમાં ઉમર મર્યાદાની જોગવાઈ જ હટાવી દેવામાં આવી છે. અગાઉ જ્યારે વર્ષ 2019માં કાયમી રજિસ્ટ્રારની ભરતી જાહેર કરી હતી ત્યારે ઉમર મર્યાદા 57 વર્ષથી વધુ ન હોવાની સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ વર્ષ 2024માં જ્યારે જાહેરાત બહાર પાડવામાં આવી તેમાં ઉમરની જોગવાઈ જ હટાવી દેવામાં આવી છે. આથી 57 વર્ષથી વધુ ઉમરના લોકોની જે અરજી આવી હોય તે પણ રદ કરવા માગણી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વર્તમાન ઇન્ચાર્જ રજિસ્ટ્રાર કાયમી ભરતીમાં લાભ લઇ શકે તે માટે ઉમરની મર્યાદા કાઢી નાખવામાં આવી હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો છે. ભારત સરકારના યુનિવર્સિટીઓનું નિયંત્રણ કરતાં યુજીસી દ્વારા પણ સમગ્ર દેશની યુનિવર્સિટીઓમાં કુલસચિવની નિયુક્તિ માટે ઉંમરની જોગવાઈ સ્પષ્ટ દર્શાવવામાં આવી છે અને તે મુજબ કુલસચિવ માટે અરજી કરનાર વ્યક્તિની ઉંમર 57 વર્ષથી વધારે હોવી જોઈએ નહી જેથી નિયમોસુનાર ભરતી બાબતે ભરતી આગળ વધારવા રજૂઆત કરી હતી. રજૂઆતમા તેઓએ રજીસ્ટરની ભરતીને લઇ યુજીસી અને રાજ્ય શિક્ષણવિભાગના પરિપત્રો પણ રજૂઆત સાથે રજૂ કર્યા હતા જેથી હવે જોવુ રહ્યુ કે આ ભરતી પ્રક્રિયા કઈ રીતે આગળ વધે.