વિવાદિત કેકેવી બ્રિજ ગેમઝોનનું સંચાલન ખોરંભે
લોકાર્પણ કર્યા વગર ટેન્ડર પ્રક્રિયા હાથ ધરતા એક જ એજન્સી આવતા રી-ટેન્ડર કરાયું
મહાનગરપાલિકા દ્વારા કેકેવી ચોક ખાતે તૈયાર થયેલ મલ્ટી લેવલ બ્રીજ નીચે ગેમઝોન તૈયાર કર્યુ છે. બન્ને બાજુ સર્વિસ રોડ ઉપર વાહનોનો ટ્રાફિક હોવાથી આ ગેમઝોનમાં દૂર્ઘટના સર્જાવાનો ભય દર્શાવી કોંગ્રેસ સહિતનાએ આ ગેમઝોનનો વિરોધ કર્યો હતો. છતાં મનપાએ કરોડોના ખર્ચે ગેમઝોન તૈયાર કરેલ પરંતુ તેનું લોકાર્પણ કરવા કોઈ પણ નેતા તૈયાર ન થતાં અંતે સંચાલન માટે ટેન્ડર પ્રક્રિયા કરી હતી. જેમાં ફક્ત એક એજન્સીએ ટેન્ડર ભરતા નિયમ મુજબ મનપાએ ફરી રિટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે.
કેકેવી સર્કલ મલ્ટીલેવલ ઓવરબ્રીજ નીચે આત્મીય કોલેજની સામે ગેમઝોન તૈયાર કરવામાં આવ્યું છે. ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ તંત્ર દ્વારા સલામતીના ભાગ રૂપે તમામ પ્રકારની ચોકસાઈ રાખવામાં આવી રહી છે. છતાં બ્રીજ નીચે ગેમઝોન તૈયાર કરવામાં આવેલ જેના લીધે ગેમઝોનમાં આવતા લોકો અને ગેમઝોનની બન્ને બાજુથી પસાર થતાં સર્વિસ રોડ ઉપર દોડતા વાહનો દ્વારા અકસ્માત સર્જાવાની ભીતી તેમજ કોઈ વાહનનો ચાલક કાબુ ગુમાવે અને વાહન ગેમઝોનમાં ઘુસી જાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે.
તેવા તમામ પ્રશ્ર્નો સાથે કોંગ્રેસ દ્વારા આ ગેમઝોનનો વિરોધ કરી સ્થળ ઉપર ધરણા કરવામાં આવેલ પરંતુ ખર્ચો થઈ ગયા બાદ ગેમઝોન ખુલ્લો મુકવા મક્કમ રહેનાર તંત્રએ ગેમઝોનના લોકાર્પણ માટે અનેક નેતાઓને આજીજી કરેલ પરંતુ સળગતામાં હાથ નાખવા કોઈ તૈયાર ન થયું અંતે ઉદ્ઘાટન વગર આ ગેમઝોનનું સંચાલન સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને ખાનગી એજન્સીને સંચાલન સોંપવા સાવ સસ્તાદરે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છતાં આ વિવાદીત ગેમઝોનનું સંચાલન કરવા મોટા ભાગની એજન્સીઓએ ઈન્કાર કરી દીધો હોય તેમ ફક્ત એક એજન્સીએ ટેન્ડર ભર્યુ હતું. પરંતુ નિયમ મુજબ ટેન્ડર પ્રક્રિયામાં ઓછામાં ઓછી બે એજન્સી હોવી જોઈએ અને આ મુજબ ફક્તે એક એજન્સી આવતા ટેન્ડર રદ કરી રી ટેન્ડર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
કે.કે.વી બ્રીજ નીચે તૈયાર થયેલ ગેમઝોનમાં અનેક રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ ખેલાડીઓ લઈ શકે તેમ છે અને આ ગેમઝોન થકી મહિને લાખો રૂપિયાની આવક થઈ શકે તેમ છે અને વિવાદના કારણે ગેમઝોનને મામુલી રકમમાં ભાડેથી આપી દેવાનું ટેન્ડર કર્યુ છે થતાં એજન્સીઓએ રસ ન લેતા તંત્ર મુંજવણમાં મુકાઈ ગયું છે.