સાધના કોલોનીમાં રોડનું કામ અધૂરું છોડી કોન્ટ્રાક્ટર ગાયબ
જામનગર મહાનગરપાલિકા દ્વારા સાધના કોલોનીમાં ચાલતા રોડના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી છે. કોન્ટ્રાક્ટર દ્વારા રોડ ખોદીને કપચી પાથરીને અને પથ્થરના ઢગલા કરીને કામ અધૂરું મૂકી દેવામાં આવ્યું છે. છેલ્લા 1 મહિનાથી આ સ્થિતિ જોવા મળી રહી છે. જેના કારણે સ્થાનિક લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ પર પથ્થરો પડેલા હોવાથી અવારનવાર અકસ્માતોની ઘટનાઓ બની રહી છે. જુના સાધનાથી નવા સાધના સુધીના તમામ રોડની અંદર આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટર દ્વારા આ કામમાં ઘણી બેદરકારી દાખવવામાં આવી રહી છે. તેમણે માંગ કરી છે કે, મહાનગરપાલિકા આ મામલે યોગ્ય કાર્યવાહી કરીને કોન્ટ્રાક્ટરને જલ્દીથી કામ પૂર્ણ કરવા માટે દબાણ કરે. આ સમગ્ર મામલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓએ મહાનગરપાલિકાના અધિકારીઓને રજૂઆત કરી છે અને જલ્દીથી આ કામ પૂર્ણ કરવાની માંગ કરી છે.