ઇજનેરીમાં વર્ષમાં બે વખત એડમિન પ્રક્રિયાની વિચારણા
સરકારની મંજૂરીની જોવાતી રાહ, આવતા વર્ષથી શરૂ કરવા સમિતિની તૈયારી
ધો.12 સાયન્સ પછી ડિગ્રી ઇજનેરી અને ધો.10 પછી ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટે હવે વર્ષમાં બે વખત પ્રવેશ કાર્યવાહી કરવાની તૈયારી શરૂૂ કરવામાં આવી છે. સરકાર દ્વારા આખરી મંજૂરી આપી દેવામાં આવે તો આગામી વર્ષથી પ્રવેશ સમિતિ દ્વારા વર્ષમાં બે વખત પ્રવેશ પ્રક્રિયા કરીને વિદ્યાર્થીઓને ઇજનેરી અને ડિપ્લોમા ઇજનેરી સહિતના જુદા જુદા કોર્સમાં પ્રવેશ માટેની કાર્યવાહી શરૂૂ કરવામાં આવશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ની પરીક્ષા વર્ષમાં બે વખત લેવાનો નિર્ણય કરાયો છે. તાજેતરમાં સેન્ટ્રલ બોર્ડ દ્વારા પણ વર્ષમાં બે વખત પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી છે. અગાઉ માત્ર ગણતરીના વિષયોમાં પૂરક પરીક્ષા લેવામાં આવતી હતી. હવે તમામ વિષયોની પરીક્ષા લેવામાં આવી રહી છે. આમ, વર્ષમાં બે વખત પરીક્ષા લેવાનું નક્કી કરાયું છે. સૂત્રો કહે છે કે, અત્યાર સુધી ડિગ્રી ઇજનેરી અને ડિપ્લોમા ઇજનેરીમાં પહેલા બે રાઉન્ડ પૂરા કર્યા બાદ ધો.10 અને 12ની પૂરક પરીક્ષાનું પરિણામ આવતું હોવાથી બે રાઉન્ડ પછી ખાલી પડેલી બેઠકો પર પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવતો હતો. આમ, પૂરક પરીક્ષામાં સારા માર્કસ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓને પણ સારી ગણાતી બ્રાન્ચમાં પ્રવેશ મળવાના બદલે બે રાઉન્ડ પછી ખાલી પડેલી બેઠકો જ મળતી હતી. આમ, એક રીતે પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને અન્યાય થતો હતો. જે તે સમયે ગણતરીના વિષયોમાં જ પૂરક પરીક્ષા લેવામાં આવતી હોવાથી આ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. બોર્ડ દ્વારા ધો.12 સાયન્સમાં ગત વર્ષથી તમામ વિષયોની પરીક્ષા લેવાનું શરૂૂ કરવામાં આવ્યું છે.
આજ રીતે ચાલુ વર્ષથી ધો.10 અને 12 સામાન્ય પ્રવાહમાં પણ તમામ વિષયોમાં પૂરક પરીક્ષા લેવાનું શરૂૂ કરાયું છે. આમ, હાલની સ્થિતિમાં ધો.10 અને 12ની તમામ વિષયોની પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવી રહી છે. બીજીબાજુ ડિગ્રી-ડિપ્લોમા ઇજનેરીમાં વર્ષમાં એક જ વખત પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવે તો પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને અન્યાય થાય તેવી સ્થિતિ ઊભી થાય તેમ છે. આ સિવાય પૂરક એટલે કે વધારાની પરીક્ષાનું પરિણામ આવે તે પહેલા પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઇ જાય તો પણ વધારાની પરીક્ષામાં પાસ થનારા વિદ્યાર્થીઓને અન્યાય થાય તેમ છે. જેના કારણે હવે આગામી દિવસોમાં ડિગ્રી-ડિપ્લોમા ઇજનેરી સહિતના કોર્સમાં વર્ષમાં બે વખત પ્રવેશ કાર્યવાહી હાથ ધરવાની વિચારણા શરૂૂ કરવામાં આવી છે. સૂત્રો કહે છે કે, હાલમાં સરકારમાં નિર્ણય વિચારાધીન છે. સરકારની સૂચના હશે તો આગામી વર્ષથી વર્ષમાં બે વખત પ્રવેશ કાર્યવાહી શરૂૂ કરવામાં આવશે.
ડિગ્રી ઇજનેરીમાં દરવર્ષે અંદાજે 35થી 40 હજાર બેઠકો ખાલી પડી રહી છે. આજ રીતે ડિપ્લોમા ઇજનેરીમાં પણ 30 હજારથી વધારે બેઠકો ખાલી રહે છે. આગામી દિવસોમાં વર્ષમાં બે વખત પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવે તો ખાલી પડેલી બેઠકો જ વધારાની પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને ઓફર કરાશે કે, કુલ બેઠકો પૈકી અમુક બેઠકો વધારાની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે અનામત રખાશે તે અંગે કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. સૂત્રો કહે છે, સરકાર બે વખત પ્રવેશ કાયવાહી કરવાની જાહેરાત કરે પછી તમામ પાસાઓ અંગે વિચારણા બાદ નિર્ણય કરવામાં આવશે.