ગુજરાતમાં નેપાળવાળી કરવાની જાહેરાત સાથે કોંગ્રેસના કૃષક આંદોલનની શરૂઆત
બોટાદની સભામાં ખેડૂતો ઉમટ્યા, કડદા પ્રથાથી જાગેલા વિરોધ વંટોળને નવેમ્બર ક્રાંતિમાં ફેરવવા ગુજરાત કોંગ્રેસ મેદાને
ગુજરાતમાં ખેડૂતોના મુદ્દાને લઈને રાજકારણ પણ તપવા લાગ્યું છે. કડદા પ્રથાથી શરૂૂ થયેલું આંદોલન અન્ય મુદ્દાઓ ઉપર આગળ ચાલી નિકળ્યું છે, તો મહત્વપૂર્ણ બાબતે તે છે કે, આ વખતે કોંગ્રેસ પોતે મેદાનમાં ઉતરી ગઈ છે. ખેડૂતોને પીઠબળ પુરૂૂ પાડવા માટે કોંગ્રેસી નેતાઓ ગ્રાઉન્ડ લેવલે ઉતર્યા છે, આ સાથે જ તેમને કૃષક આંદોલન પણ શરૂૂ કર્યો છે.
ગુજરાતના બોટાદ જિલ્લાના કાનીયાડ ચોકડી પાસે 28 ઑક્ટોબર 2025ના રોજ રાત્રે કોંગ્રેસ પાર્ટીના કૃષક આંદોલન હેઠળ યોજાયેલી ખેડૂત મહાપંચાયતમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી. તાજેતરના કમોસમી વરસાદ અને માવઠાની આફતથી પીડિત ખેડૂતોના મુદ્દાઓને લઈને આ મહાસભામાં રાજ્ય સરકાર પર આકરા પ્રહારો થયા. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા, ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી, પૂર્વ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, બનાસકાંઠા લોકસભાના સંસદ ગેનીબેન ઠાકોર અને ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલભાઈ વાસણીક જેવા નેતાઓએ ભાગ લીધો હતો. જેમાં ખેડૂતોના દેવા માફી, પોષણક્ષમ ભાવ અને પોલીસ અત્યાચાર જેવા મુદ્દાઓ પર તીખી ટીકા કરવામાં આવી હતી. આ મહાપંચાયત કોંગ્રેસના 2027ના વિધાનસભા ચૂંટણી પહેલાના આંદોલનનો ભાગ છે, જેમાં પાર્ટીએ ખેડૂત વર્ગને જોડવા પર ભાર મૂક્યો છે. બોટાદ જિલ્લો જે સૌરાષ્ટ્રના મુખ્ય કૃષિભૂમિ વિસ્તારોમાંનો એક છે, તાજેતરના માવઠા અને વરસાદથી ભારે અસરગ્રસ્ત થયો છે. અહીં કપાસ, મગફળી અને ડાંગર જેવા પાકોને 50%થી વધુ નુકસાન થયું છે, જેના કારણે હજારો ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં છે. આ પહેલા બોટાદના ખેડૂતોએ કડદાને લઈને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આ કડદાના વિરોધમાં ખેડૂતોની વ્હારે ગોપાલ ઈટાલિયા આવ્યા હતા.
જોકે, તેમની એક ખેડૂત મહાસભામાં પોલીસ અને ગામલોકો વચ્ચે થયેલા આક્રમક હિંસા બાદ રાજ્યનું રાજકારણ વધારે તપ્યું હતું. આ પૃષ્ઠભૂમિમાં યોજાયેલી આ મહાપંચાયતમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને કાર્યકર્તાઓએ ભાગ લીધો જે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાના નેતૃત્વમાં યોજાઈ. તો આની જવાબદારી કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા ઈન્દ્રનીલભાઈ રાજ્યગરૂૂ પર રહેલી છે.