કોંગ્રેસમાં ચૂંટણીનો સળવળાટ, 13 શહેર-જિલ્લા પ્રમુખોની નિમણૂકો
- જામનગર જિલ્લામાં મનોજ કથીરિયા, જૂનાગઢ સિટીમાં મનોજ જોશી, મોરબીમાં કિશોર ચિખલિયા, ભાવનગરમાં હિતેષ વ્યાસ અને સુરેન્દ્રનગરમાં નૌશાદ સોલંકીના શિરે જવાબદારી
ગુજરાતમાં લોકસભાની આગામી ચુંટણી પૂર્વે ભાજપે મોટાભાગની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ત્યારે હવે કોંગ્રેસે પણ ગાડી ગેરમાં નાખી હોય તેમ બાકી રહેલા સંગઠનની નિમણુંકો શરૂ કરી છે. અને આજે ગુજરાતના 13 શહેર તથા જિલ્લાના પ્રમુખોની નિમણુંકો કરી છે. તેમજ ઓબીસી ડિપાર્ટમેન્ટના કાર્યકારી ચેરમેનની પણ નિમણુંક કરેલ છે.
સૌરાષ્ટ્રના રાજકીય હેડક્વાર્ટર ગણાતા રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ પદે પૂર્વ કોર્પોરેટર અતુલ રાજાણીને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે જામનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદે મનોજ કથિરિયા, જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે મનોજ જોશી, સુરેન્દ્રનગરમાં નવસાદ સોલંકી, મોરબીમાં જૂનાજોગી કિશોર ચીખલિયા, ભાવનગર શહેરમાં હિતેષ વ્યાસ, મહેસાણામાં હસમુખભાઈ ચૌધરી, સાબરકાંઠામાં અશોક પટેલ, ભરૂચમાં રાજેન્દ્રસિંહ રાણા, સુરત શહેરમાં ધનસુખ રાજપુત, અમદાવાદ જિલ્લામાં અમરસિંહ સોલંકી, મહિસાગરમાં ગુલાબસિંહ ચૌહાણ તેમજ પાટણ કોંગ્રેસ પ્રમુખ તરીકે ગમારભાઈ રબારીને જવાબદારી સોંપવામાં આવી છે.
ગુજરાતમાં કોંગ્રેસના અનેક કદાવર નેતાઓ સત્તાનો સ્વાદ ચાખવા ભાજપમાં જોડાઈ જતાં કોંગ્રેસ લગભગ ખાલી જેવી સ્થિતિમાં આવી ગઈ છે. તેવામાં કોંગ્રેસને બેઠી કરવાની જવાબદારી જૂનાજોગી અને રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલને સોંપવામાં આવ્યા બાદ ધીરે ધીરે ગુજરાત કોંગ્રેસનું સંગઠન ઠીકઠાક કરવા પ્રયાસો ચાલી રહ્યા છે. આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો અસરકારક દેખાવ કરવો શક્તિસિંહ માટે મોટો પડકાર છે. ભાજપ ભણી લાગેલી કોંગ્રેસના નેતાઓની લાઈ ફરી કોંગ્રેસ તરફ વાળવા તે પણ એક મોટો પડકાર છે. આવી સ્થિતિમાં લોકસભાની ચુંટણીમાં બુથ સુધીનું નેટવર્ક ગોઠવવા ધીરે ધીરે કોંગ્રેસે કમર કસી છે. અને આજે 13 જિલ્લા કોંગ્રેસોના પ્રમુખોની નિમણુંકો કરી છે.
સૌથી આશ્ર્ચર્યનીવાત એ છે કે, એક સમયે એ નેતાઓનો કોઈ ભાવ પુછતું ન હતું તેવા નેતાઓને અત્યારે કોંગ્રેસે ફ્રન્ટલાઈન રનર તરીકે મેદાનમાં ઉતારવાની ફરજ પડી છે. રાજકોટ શહેર કોંગ્રેસ શહેરનું નેટવર્ક લાંબા સમયથી સ્થગિત જેવી સ્થિતિમાં હતું. જ્યારે જિલ્લા કોંગ્રેસમાં પણ આવી જ સ્થિતિ હતી.ં જિલ્લા કોંગ્રેસમાં લલીત વસોયાને પ્રમુખપદની જવાબદારી સોંપ્યા બાદ આજ સુધી કોઈ અસરકારક કાર્યક્રમ આપવમાં આવ્યો નથી. હવે વધુ 11 શહેર તથા જિલ્લા કોંગ્રેસના પ્રમુખોની નિમણુંકો કરવામાં આવી છે. ત્યારે સંગઠન ફરી ધમધમતુ થશે કે કેમ તે અંગે સમયની રાહ જોવી રહી.
રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખપદનો કાંટાળો તાજ અંતે રાજાણીના શિરે
રાજકોટ શહેર કોંગ્રેસના અનેક મોટા અને સારા નેતાઓ ભાજપમાં હિજરત કરી ગયા બાદ હવે કોંગ્રેસ ખાલી થઈ ગઈ છે ત્યારે શહેર કોંગ્રેસના પ્રમુખપદનો કાંટાળો તાજ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અને સક્રિયનેતાની છાપ ધરાવતા અતુલ રાજાણીને સોંપવામાં આવ્યો છે. આગામી લોકસભાની ચૂંટણી પેર્વ અતુલ રાજાણીને આ મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે શહેર કોંગ્રેસમાં બાકી વધેલા નેતાઓને એક સાથે બેસાડવાનો મોટો પડકાર પણ અતુલ રાજાણીના સિરે આવી પડ્યો છે. શહેર કોંગ્રેસમાં હાલ જે નેતાઓ વધ્યા છે તેના તમામના અલગ જૂથો સક્રિય છે. અતુલ રાજાણી મોટાભાગના જૂથના સર્વસ્વિકૃતનેતા છે. ત્યારે આગામી ચૂંટણી અને ભાજપ જેવી શક્તિશાળી પાર્ટી સામે ટક્કર આપવામાં આ નેતાઓ રાજાણીની સાથે રહે છે કે કેમ તે તો સમય જ બતાવશે. શહેર કોંગ્રેસના નવા પ્રમુખ બન્યા બાદ અતુલ રાજાણીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, હું કોર્પોરેટર હતો ત્યારે પણ 108ની માફક પક્ષાપક્ષી જોયા વગર તમામ લોકોના કામો અને સેવા કરી છે. રાત-દિવસ જોયા વગર કામ કર્યુ છે. ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ પદનો મોટો હોદ્દો મળતા મારી જવાબદારી વધી ગઈ છે. અને હવે બમણાજોરથી કામ કરવાનો મોકો મળ્યો છે. તેમણે વિશેષમાં જણાવ્યું હતું કે, મારુ પ્રથમ લક્ષ્યાંક આગામી લોકસભાની ચૂંટણી રહેશે અને આ માટે શહેરના તમામ મતદાન મથકો સુધી કોંગ્રેસનું સંગઠન મજબુત બને તથા તમામ નેતાઓ અને કાર્યકરો આળશ ખંખેરી જનુન પૂર્વક સક્રિય બને તેવા પ્રયાસો રહેશે અમે ચુંટણીમાં લોકોના પ્રશ્ર્નોને લઈ લોકો વચ્ચે જશું અને ભાજપની નિષ્ફળતા તથા તાનાસાહી સામે લડત આપવા મક્કમતા પૂર્વક આગળ વધશુ.
પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના કાર્યકારી ચેરમેન પદે મહેશ રાજપૂત
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસે સંગઠનમાં નિમણુંકોનો દૌર શરૂ કર્યો છે. તેમાં રાજકોટ શહેર કોંગ્રેસમાં લાંબા સમયથી સિંકટેંક તરીકે સક્રિય ઓબીસી નેતા મહેશ રાજપૂતને ગુજરાત પ્રદેશ ઓબીસી ડિપાર્ટમેન્ટના કાર્યકારી ચેરમેનની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. આજરોજ રાષ્ટ્રીય કક્ષાએથી મહેશ રાજપૂતને નિમણુંક પત્ર આપી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, એક સમયે કોંગ્રેસની સૌથી મોટી અને સબળ વોટબેંક ગણાતો ઓબીસી સમાજ હાલ ભાજપની તાકાત બની ચુક્યો છે. ત્યારે ફરીવખત ઓબીસી મતદારોને કોંગ્રેસ તરફ માણવા માટે મહેશ રાજપૂતને પ્રદેશ કક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે. તેમાં મહેશ રાજપૂત કેટલે અંશે સફળ થશે તે તો સમય જ બતાવશે. મહેશ રાજપૂત લગભગ છેલ્લા ત્રણ દાયકા કરતા વધુ સમયથી કોંગ્રેસમાં સક્રિય છે. અને પ્રદેશ તથા રાષ્ટ્રીય નેતાઓની નજીકના માનવામાં આવે છે. હવે તેની પ્રદેશ કક્ષાએ નિમણુંક થતાં આગામી દિવસોમાં કોંગ્રેસ ઓબીસી મોરચામાં નવો સંગઠનનો દૌર શરૂ થવાની તારણા વ્યક્ત કરવામાં આવી રહી છે. મહેશ રાજપુતે પણ જણાવ્યું હતું કે, લોકસભાની ચુંટણી અમારુ પહેલું લક્ષાંક છે. આ ચુંટણીમાં કોંગ્રેસ વધુમાં વધુસારો દેખાવ કરે અને ઓબીસી મતદારો ફરી કોંગ્રેસ સાથે જોડાય તે માટે મારા પ્રયાસો રહેશે.