ગુજરાતમાં બે તબક્કામાં કોંગ્રેસ કાઢશે ન્યાયયાત્રા
રાહુલ ગાંધીની હાજરીમાં ફરી રાજકીય તખતો કરશે ગરમ, રાજકોટ-બોટાદ-વિરમગામ-સુરત-વડોદરાની દુર્ઘટનાઓના પીડિતો માટે માગશે ન્યાય
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં એક બેઠક મળ્યા બાદ કોંગ્રેસને ઓકસીજન મળી ગયો છે અને હવે એક બાદ એક કાર્યક્રમો યોજી રાજકીય પડ ગરમ રાકવામાં આવી રહ્યું છે. ટીઆરપી ગેમઝોન મુદ્દે રાજકોટ બંધના એલાનને સફળતા મળ્યા બાદ હાલ પુરગ્રસ્ત વિસ્તારોના મુદ્દે કોગ્રેસ રાજ્ય સરકારને ઘેરી રહી છે. હવે ઓગસ્ટના બીજા અઠવાડિયામા ગુજરાતમા કોગ્રેસનાં ટોચના નેતા રાહુલ ગાંધીની હાજરીમાં ન્યાયયાત્રા કાઢવાનો તખતો ગોઠવાઈ રહ્યો છે.
કોંગ્રેસનાં ટોચના સુત્રોના કહેવા મુજબ ગુજરાતમાં ક્રાંતિના મહિના તરીકે ઓળખાતા ઓગષ્ટ માસમાં બે તબક્કામાં ન્યાયયાત્રા કાઢવાનું આયોજન થઈ રહ્યું છે.આ કાર્યક્રમને બે ત્રણ દિવસમાં જ આખરી ઓપ આપી સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવશે.
મળતી માહિતી મુજબ પ્રથમ ફેઈઝમાં મોરબીથી રાજકોટ અને રાજકોટથી ચોટીલા થઈ વિરમગામ સુધી ન્યાયયાત્રા કાઢવાનું આયોજન છે. મોરબીના ઝુલતા પુલની દુર્ઘટના, રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ તથા વિરમગામના માંડલની હોસ્પિટલના અંધાપાકાંડ અને બોટાદના લઠ્ઠાકાંડનો પડઘો આ ન્યાયાત્રામાં પાડવામાં આવશે.
જ્યારે બીજા તબક્કાની ન્યાયયાત્રા સુરતથી વડોદરા અને વડોદરાથી ગાંધીનગર સચિવાલય અથવા અમદાવાદ ગાંધીઆશ્રમ સુધી ન્યાયયાત્રા કાઢવાનું આયોજન છે. બીજા તબક્કામાં સુરતના તક્ષશિલા અગ્નિકાંડ તેમજ વડોદરાના હરણી તળાવ બોટકાંડના પીડિતો માટે ન્યાયની માંગણી કરવામાં આવશે.
આ ન્યાયયાત્રામાં લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી ખુદ હાજર રહે તે માટે આયોજન કરાયું છે અને તેને આમંત્રણ આપી સમય માંગવામાં આવ્યો છે. તેમનો સમય મળતાં જ પ્રદેશ કોંગ્રેસ દ્વારા સમગ્ર કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવશે.