કાલે ખોડલધામથી પ્રચારના શ્રીગણેશ કરશે કોંગ્રેસ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે રાજકીય માહોલ ગરમાયો
વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાની જીત બાદ આપની વધતી સક્રિયતાને જોતા, હવે કોંગ્રેસે પણ પાટીદાર મતદારોને આકર્ષવાના પ્રયાસો તેજ કર્યા છે. આ પ્રયાસના ભાગરૂૂપે, કોંગ્રેસ આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની તૈયારીના શ્રીગણેશ 28મીએ ખોડલધામ ખાતેથી કરશે.
કોંગ્રેસ દ્વારા આસ્થાનું કેન્દ્ર એવા ખોડલધામમાં ખોડિયાર માતાના દર્શન કરી ધજા ચઢાવવામાં આવશે. આ સાથે જ સૌરાષ્ટ્રના કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ, પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની પાટીદાર સમાજના આગેવાનો સાથે એક મહત્વપૂર્ણ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસનું આ પગલું 2017ની વિધાનસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીની નવસર્જન યાત્રાની યાદ તાજી કરાવે છે, જેની શરૂૂઆત પણ સૌરાષ્ટ્રથી થઈ હતી અને જેમાં ખોડલધામના દર્શનનો સમાવેશ કરાયો હતો. આ રીતે કોંગ્રેસે ફરી એકવાર ટેમ્પલ પોલિટિક્સનો સહારો લીધો છે.
ખોડલધામના કાર્યક્રમ પહેલા આજે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક રાજકોટના નેતાઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં પોલિટિકલ અફેર્સ કમિટી સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેના ઉમેદવારો અંગે ચર્ચા કરાશે. આ ઉપરાંત, મતદારો સુધી પહોંચવાના મુદ્દાઓ અંગે પણ ચર્ચા થશે.
નોંધનીય છે કે, ભૂતકાળમાં શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ પાટીદાર નેતાઓએ પ્રદેશ પ્રમુખ પાટીદાર સમાજમાંથી બનાવવાની માંગ કરી હતી. જોકે, અમિત ચાવડા (ઓબીસી સમાજ)ની પ્રમુખ પદે નિમણૂક થતાં પાટીદાર નેતાઓમાં નારાજગી જોવા મળી હતી, જેના કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા તેમને રિઝવવા કોંગ્રેસ માટે અનિવાર્ય બની ગયું છે. સૌરાષ્ટ્રમાં પાટીદારોની નારાજગી કોંગ્રેસને મોટું નુકસાન પહોંચાડી શકે તેમ હોવાથી, આ વખતે કોંગ્રેસે સૌરાષ્ટ્રને વધુ મહત્વ આપીને પ્રચારની શરૂૂઆત ત્યાંથી કરી છે.
ખોડલધામના કાર્યક્રમ બાદ, 28મીની સાંજે બોટાદમાં કિસાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેના દ્વારા સરકારથી નારાજ ખેડૂતોને રિઝવવાનો પ્રયાસ કરાશે. 29મીએ મોરબીમાં પણ જિલ્લા પોલિટિકલ કમિટી સાથે બેઠક અને ત્યારબાદ જનઆક્રોશ સભા યોજાશે. અંતે, 30મીએ અમદાવાદ ખાતે પ્રદેશ કોંગ્રેસના સિનિયર નેતાઓ અને સંગઠન સાથે પ્રભારી મુકુલ વાસનિક અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા બેઠક યોજશે, જેમાં સંગઠનને મજબૂત કરવાના અને સંભવિત ફેરફારો અંગે ચર્ચા કરવામાં આવશે.
