કોંગ્રેસ દ્વારા આજથી 13 દિવસની ખેડૂત આક્રોશ યાત્રા
તા.5 સુધી તાલુકા મથકોએ અને તા.6 નવેમ્બરથી જિલ્લા મથકોએ ધરણાં-રેલીની ધણધણાટી
ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા અને તેમની વેદના સાંભળવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા આથી 13 નવેમ્બરથી ખેડૂત આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા સોમનાથથી શરૂૂ થઈને સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓમાં ફરશે અને 13 નવેમ્બરે દ્વારકા ખાતે તેનું સમાપન થશે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વર્તમાન પરિસ્થિતિમાં ખેડૂતોની હાલત દયનીય બની છે, ખાસ કરીને કમોસમી વરસાદને કારણે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે.તેમણે આરોપ લગાવ્યો હતો કે ખેડૂતોની સમસ્યાઓ પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે અને તેમની માંગણીઓનું નિરાકરણ આવી રહ્યું નથી. કોંગ્રેસે સરકાર સમક્ષ તાત્કાલિક સ્પેશિયલ પેકેજ જાહેર કરવા, ચાલુ વર્ષના પાક ધિરાણ માફ કરવા અને પાક વીમા યોજના શરૂૂ કરવાની માંગ કરી છે.
યાત્રા પહેલાં, કોંગ્રેસ પક્ષ ખેડૂતોના સમર્થનમાં રાજ્યવ્યાપી કાર્યક્રમો યોજશે. 1 થી 5 નવેમ્બર દરમિયાન રાજ્યના તમામ તાલુકા મથકે ધરણા, પદયાત્રા અને રેલી યોજીને મામલતદાર કચેરીઓને આવેદનપત્રો સુપરત કરવામાં આવશે. ત્યારબાદ 6 નવેમ્બરથી એક સપ્તાહ માટે જિલ્લા સ્તરે પણ રેલીઓ, ધરણાં અને કલેક્ટર કચેરીનો ઘેરાવ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.આ પખેડૂત આક્રોશ યાત્રાથનો મુખ્ય હેતુ સૌરાષ્ટ્રના ખેડૂતોની વેદના સાંભળવાનો અને તેમના પ્રશ્નોને સરકાર સમક્ષ અસરકારક રીતે રજૂ કરવાનો છે. કોંગ્રેસ પક્ષે સરદાર વલ્લભભાઈ પટેલના ખેડૂતલક્ષી યોગદાનને યાદ કરીને જણાવ્યું હતું કે, ખેડૂત ખુશ તો ભારત ખુશ, અને ખેડૂત પર દુ:ખ આવે તો દેશની પ્રગતિ અટકી જાય.
આ કથનને ટાંકીને વર્તમાન પરિસ્થિતિમાં ખેડૂતોને તાત્કાલિક મદદની આવશ્યકતા પર ભાર મૂકવામાં આવ્યો હતો.કોંગ્રેસની મુખ્ય માંગણીઓમાં ખેડૂતોના સંપૂર્ણ દેવા માફી, ગુજરાતના ખેડૂતો માટે તાત્કાલિક પાક વીમા યોજના શરૂૂ કરવી, ખાતર-બિયારણની કાળાબજારી અને અછતનું નિવારણ, કમોસમી વરસાદથી થયેલા નુકસાન માટે સ્પેશિયલ પેકેજની જાહેરાત, ખોટી જમીન માપણી રદ કરવી અને જમીન સંપાદનના નામે ખેડૂતો સાથે થતા અત્યાચાર બંધ કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.આ ઉપરાંત, ટેકાના ભાવે ખરીદીમાં પારદર્શિતા લાવવા અને ખેડૂતોને વાસ્તવિક લાભ મળે તે સુનિશ્ચિત કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો, જેમાં એજન્સીઓની પસંદગી અને જાણકારીના અભાવને કારણે વેપારીઓને લાભ થતો હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ પક્ષે આ યાત્રા દ્વારા ખેડૂતોની પડખે ઊભા રહેવાનો અને સરકાર પર તેમની માંગણીઓ સ્વીકારવા દબાણ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.
કડદા પ્રથાનો મુદ્દો ઉઠાવી આપ છવાયુ
માર્કેટ યાર્ડમાં ચાલતી કડદાપ્રથા સામે આમ આદમી પાર્ટી એ શરૂૂ કરેલ આંદોલનના કારણે ખેડૂતોનો મોટો સમૂહ આમ આદમી પાર્ટી તરફ વળી રહ્યો છે. આમ આદમી પાર્ટી એ મોકો જોઈ ખેડૂતોના પ્રશ્નોને હવા આપતા તેનું આંદોલન દિવસે દિવસે વધુ આક્રમક અને સફળ બની રહ્યું છે પરંતુ ગુજરાતમાં સ્થાપના કાર્ડથી અસ્તિત્વમાં રહેલી કોંગ્રેસ પાર્ટીના નેતાઓ મોડા જાગ્યા છે અને આમ આદમી પાર્ટી નો વિરોધ કરવા સાથે આમ આદમી પાર્ટીના મુદ્દાઓને લઈને જ આંદોલન પણ શરૂૂ કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસને આ આંદોલનથી કેટલો ફાયદો થશે તે તો સમય જ બતાવશે.