SIRની સમયમર્યાદા વધારવા કોંગ્રેસની ચૂંટણી પંચને રજૂઆત
67 લાખ શંકાસ્પદ મતદારોની ચકાસણી અને BLOના કામનું ભારણ ઘટાડવા માંગ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC)ના પ્રમુખ અમિત ચાવડાએ ભારતના ચૂંટણી પંચને એક પત્ર લખીને રાજ્યમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા પ્રક્રિયા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. કોંગ્રેસે મતદાર યાદીમાં લાખો શંકાસ્પદ નામોના સમાવેશ અને ઇકઘ (બૂથ લેવલ ઓફિસર્સ) પરના કામના ભારણ સહિતના મુદ્દાઓ ઉઠાવ્યા છે.
કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી રજૂઆત મુજબ, જે મતદારોના નામ 2002ની યાદીમાં નહોતા, તેવા આશરે 67 લાખ મતદારોનો સમાવેશ હાલની યાદીમાં કરવામાં આવ્યો છે. આ નામોનો સમાવેશ પૂરતી ચકાસણી કે યોગ્ય કાનૂની પ્રક્રિયા વિના કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.જ્યાં સુધી દસ્તાવેજી પુરાવા સાથે આ નામોની ફરીથી ચકાસણી ન થાય ત્યાં સુધી આ તમામ મતદારોને સ્થગિત રાખવામાં આવે.
આ ઉપરાંત મતદાર યાદી તૈયાર કરવા માટે BLOને ખૂબ જ ઓછો સમય આપવામાં આવ્યો હોવાથી તેઓ ગંભીર દબાણ હેઠળ છે. કામના અતિશય દબાણને કારણે કેટલાક ઇકઘ ના મૃત્યુ થયા છે અને કેટલાક કિસ્સામાં આત્મહત્યાના બનાવો પણ બન્યા હોવાના ચોંકાવનારા અહેવાલો છે. સમયના અભાવે ઘણી જગ્યાએ ઇકઘ એ મતદારોની અસલ સહી લીધા વિના જ ઈન્યુમરેશન ફોર્મ અપલોડ કરી દીધા છે.
ગુજરાત કોંગ્રેસે મતદાર યાદી તૈયાર કરવાની મુદત ફેબ્રુઆરી 2026 ના અંત સુધી લંબાવવાની માંગ કરી છે. તથા સ્થળાંતરનો મુદ્દો રજુ કર્યો છે જેમાં ગુજરાતના આદિવાસી વિસ્તારો જેવા કે વ્યારા, કપરાડા, ડાંગ, છોટા ઉદેપુર, સાબરકાંઠાનું પોશીના, ખેડબ્રહ્મા અને વિજયનગરના રહીશો હાલમાં રોજીરોટી માટે સ્થળાંતર કરી ગયા છે. તેમના મતાધિકારનું રક્ષણ માટે સમયમર્યાદા વધારવા માંગ કરી છે : ગરીબી અને નિરક્ષરતાને કારણે સ્થળાંતરિત થયેલા આ લોકો તેમના મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે સમયમર્યાદા વધારવી અનિવાર્ય છે.