GPSC પરિણામોના મામલે કોંગ્રેસના બે ભાગલા
ઓબીસી, એસ.સી.-એસ.ટી. આગેવાનોએ બારોબાર યોજેલી બેઠક સામે પ્રદેશ પ્રવકતા મનહર પટેલે ઉઠાવ્યા સવાલો
પક્ષને વિશ્ર્વાસમાં લેવાના બદલે અલગ બેઠક યોજવા સામે નારાજગી
ગુજરાતમાં જીપીએસસીના પરિણામોમાં કથિત અન્યાયના મુદે વિરોધપક્ષ કોંગ્રેસમાં બે ભાગલા જેવી સ્થિતી સર્જાયેલ છે. બે દિવસ પહેલા કોંગ્રેસના ઓબીસી અને એસ.સી.-એસ.ટી. સમાજના આગેવાનો ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, જીજ્ઞેશ મેવાણી વિગેરેએ બેઠક યોજી જીપીએસસીમાં અન્યાયનો મુદો ઉઠાવ્યો હતો. હવે કોંગ્રેસના પ્રદેશ પ્રવકતા મનહર પટેલે પક્ષ પ્રમુખ શકિતસિંહ ગોહિલને પત્ર લખી કોંગ્રેસના નેતાોઅએ યોજેલી બેઠક સામે સવાલો ઉઠાવ્યા છે.
મનહર પટેલે શકિતસિંહ ગોહિલને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, મારી રજુઆત પક્ષના વિશાળહિતમા અને સંગઠનને કોઇ ક્ષતિ ન પહોચે તે દિશામા કોંગ્રેસ નેતૃત્વ નિર્ણયો કરે તેવી લાગણી સાથે છે, GPSCની પરિક્ષામા ગેરરીતીના આક્ષેપને લઈને કોંગ્રેસ પક્ષના ખાસ સમાજના આગેવાનો દ્વારા પ્રશ્નો ઉપસ્થિત થયા છે તેમા સત્ય બહાર આવવુ જોઇએ. અને તેના માટે સર્વ સમાજની રચના કરી ઉંડાણપુર્વક અભ્યાસ કરી રાજયની જનતાની સામે મુકવી જોઇએ. કોંગ્રેસના પાયાના સિદ્ધાંતને સામે રાખીએ તો કોઇપણ સમાજને કોઇપણ પ્રકારનો રાજકીય અન્યાય ચલાવી શકાય નહી..સમાજને નુકશાનએ રાષ્ટ્રને નુકશાન છે, આમ કોંગ્રેસ પક્ષ હંમેશા તમામ સમાજના લોકોની ચિંતા કરે છે અને કોંગ્રેસ પક્ષમા તમામ સમાજના લોકોનુ યોગદાન પણ છે એવી જ રીતે કોંગ્રેસ પક્ષ તમામ સમાજને ન્યાય આપે છે એટલે જ તમામ સમાજના લોકો કોંગ્રેસ પાસે ન્યાયની અપેક્ષા વધુ રાખે છે. પરંતુ જવાબદાર કોંગ્રેસ પક્ષના દરેક સમાજના આગેવાનોએ એ વાત બરાબર યાદ રાખવી ઘટે, કે સત્તા સામેની આપણી લડાઇનો સંદેશો એવો ન છુટી જાય કે વંચિતો ન્યાયથી વંચિત રહી જાય તેમજ કોંગ્રેસ પક્ષ જાતિવાદના મુદાએ વિભાજીત થઈ જાય અને તેની ખરાબ અસર કોંગ્રેસ પક્ષના સંગઠન ઉપર પડે.
પક્ષમા ખાસ સમાજોના અમુક આગેવાનો સરકાર દ્વારા લેવામા આવેલ GPSC પરિક્ષાના મુદ્દાને લઈને તેમના સમાજને અન્યાય થઈ રહ્યો છે તે અંગેની પ્રેસ વાર્તા કરી અને સરકાર સામે અસંતોષ વ્યકત કર્યો છે, સમાજના અન્યાય સામે લડવુ એ આપણો અધિકાર છે પરંતુ એક સમાજને ન્યાય મેળવવાની લડાઈમા બીજા સમાજને અન્યાય ન થઈ જાય તેની ચિંતા અહી જરુરી છે. સામાન્ય સમાજોની પણ પીડાઓ છે, એટલે આ મુદ્દો રાજકીય કરતા યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલ હોવાથી કોંગ્રેસ પક્ષના નેતૃત્વ પરિપક્વ નિર્ણય બાદ જ કાર્યક્રમો આપવામા આવે.
આ મુદ્દાને લઈને પક્ષ હિતમા મારી લાગણી છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ સ્થાને રાજીવ ગાંધી ભવન ખાતે સંવાદ કાર્યક્રમ આયોજન થાય તેમા પક્ષના ફોરમમા અન્યાયના મુદાની ચર્ચા થાય, અન્ય સમાજના કોંગ્રેસના આગેવાનોને વિશ્વાસમા લઈને સાચી હકીકતો સાથે પરિપક્વ ચર્ચા થાય, પક્ષના નેતૃત્વને વિશ્વાસમા લેવામા આવે અને કોંગ્રેસ પક્ષના મુખ્ય મથક ઉપરથી પક્ષનો સામુહિક નિર્ણય જાહેર કરવામા આવે. અંતે અપેક્ષિત પરીણામ મેળવવા માટે સાચી હકીકતોની ચર્ચાને અંતે કોંગ્રેસ પક્ષના નેતૃત્વમા આ લડાય લડવી જોઇએ.
ઉપરાંત છેલ્લા ઘણા સમયથી સમયાંતરે કોંગ્રેસ પક્ષના ખાસ સમાજના આગેવાનો ખાસ સમાજને લક્ષમા રાખીને જાહેરમંચ ઉપરથી તેના વિરુદ્ધ અપમાનજનક ટીપ્પણીઓ કરી રહ્યા છે, આવા નેતાઓને કારણે પક્ષનુ સંગઠન તુટી રહ્યુ છે. તેની ગંભીર નોધ લેવામા આવે. મારી સામાન્ય સમજ કહે છે કે આપણો રાજકીય કે પક્ષીય મુદ્દો ગમે તેટલો સાચો અને મજબુત હોય પણ રજુઆતની વાણીમા વિવેક અને ભાષમા યોગ્ય શબ્દોની પસંદગી નહી હોઇ તો પરિણામ મળતુ નથી.