વડાપ્રધાનની સભા બાબતેે કોમેન્ટ કરનાર કોંગ્રેસના સોશિયલ મીડિયાના સેક્રેટરીની ધરપકડ
વડાપ્રધાનની અમદાવાદ ખાતેની નિકોલમાં યોજાનારી સભા બાબતે સોશ્યલ મીડિયા ઉપર કોમેન્ટ કરનાર શહેર કોંગ્રેસનાં સોશ્યલ મીડિયાના સેક્રેટરીની સાયબર ક્રાઈમ ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. આ મામલે સાયબર ક્રાઈમે તેના વિરૂધ્ધ ગુનો પણ નોંધ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે ગુજરાત પ્રવાસે હોય અને અમદાવાદ નિકાલ ખાતે તેઓ એક જાહેર સભા સંબોધવાના છે. વડાપ્રધાનના ગુજરાતના આગમનને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના સોશ્યલ મીડિયા એકાઉન્ટ ઉપર વડાપ્રધાનની આગમનની શુભેચ્છા પાઠવતી પોસ્ટ કરવામાં આવી હોય તેમજ નિકાલ ખાતેની સભા અંગે પણ જાહેરાત કરી લોકોને સભામાં હાજર રહેવા માટે અપીલ કરી હોય વડાપ્રધાનની નિકાલ ખાતેની સભા અંગે સોશ્યલ મીડિયા ઉપરની પોસ્ટમાં એક વ્યક્તિએ અભદ્ર ટીપ્પણી કરી હતી અને ‘મર્દની મૈયતમાં જવું પણ હિજડાની જાનમાં ન જવાય’ આ કોમેન્ટ બાબતે સાયબર ક્રાઈમમાં થયેલી ફરિયાદને આધારે રાજકોટના કોંગ્રેસનાં સોશ્યલ મીડિયાના સેક્રેટરી પ્રકાશ વજેપરાની સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી હતી. આ મામલે મોડી સાંજે થયેલી ફરિયાદ બાદ રાત્રે બે વાગ્યે કોંગ્રેસનાં સોશ્યલ મીડિયાના સેક્રેટરી પ્રકાશ વજેપરાને સાયબર ક્રાઈમની ટીમે ઉઠાવી લીધો હતો. આ મામલે પ્રકાશની વિશેષ પુછપરછ શરૂ કરવામાં આવી છે તેમજ તેનો મોબાઈલ ફોન કબજે કરી તેને એફએસએલમાં મોકલવામાં આવ્યો છે. સાયબર ક્રાઈમના ઈન્ચાર્જ એસીપી ચિંતન પટેલ સાથે પીઆઈ જે.એમ.કૈલા અને તેમની ટીમે આ અંગે વધુ તપાસ શરૂ કરી જરૂરી કાર્યવાહી કરી છે.
