આમ્રપાલી બ્રિજની દયામણી હાલતને લઇ કોંગ્રેસનો પાવડા-તગારા સાથે વિરોધ
સતત પાણી ટપકતા હોવાથી ગમે ત્યારે બાઇક લપસી જાય તેવી સ્થિતિ સામે જંગી સંખ્યામાં ‘15’ કાર્યકરો ઉમટયા, મુખ્ય નેતાઓ ગાયબ
રાજકોટ શહેરના આમ્રપાલી પાસે અન્ડરબ્રિજની ખરાબ હાલત અને મહાપાલિકાના પસૂતેલાથ તંત્ર સામે વિરોધ વ્યક્ત કરવા માટે કોંગ્રેસ પક્ષના કાર્યકરોએ આજે એક અનોખું પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના કાર્યકરો પાવડા અને તગારા જેવા સફાઈના સાધનો લઈને અન્ડરબ્રિજની સફાઈ કરવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જોકે પોલીસે તેમને તરત જ અટકાવી દીધા હતા. અને આ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. જોકે આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના ગણ્યા ગાંઠ્યા 15 જેટલા કાર્યકરો જ જોડાયા હતા, જે શહેરના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો હતો. કેમ કે શહેર કોંગ્રેસના કોઇ મુખ્ય નેતાઓ કાર્યક્રમમાં જોવા મળ્યા ન હતા. ગુજરાત પ્રદેશ શક્તિ સભાના ચેરમેન વૈશાલી શિંદેએ જણાવ્યું હતું કે, રાજકોટને રેસકોર્સના કારણે એક હબ કહી શકાય છે, પરંતુ શહેરની દશા અત્યારે ખરાબ થઈ રહી છે. અન્ડરબ્રિજનું કામ પ્રોપર રીતે થયું નથી અને તંત્ર તદ્દન સૂતું છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે આજે કોઈપણ પ્રકારનું કામ થતું નથી અને રસ્તાઓ સ્લિપરી થઈ રહ્યા છે. મુખ્યમંત્રી આવે ત્યારે જ રોડ-રસ્તા સાફ થાય છે, અને બીજા દિવસે ફરી કાદવ-કિચડ થઈ જાય છે.
ત્યારે જો તંત્ર સફાઈ નહીં કરે તો કોંગ્રેસના કાર્યકરો પોતે રોડ-રસ્તાની સફાઈ કરશે. રાજકોટ શહેરના ઉપપ્રમુખ અને પ્રદેશના પ્રવક્તા સંજય લાખાણીએ ભાજપના રાજમાં થયેલા ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે આ વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હોવાનું જણાવ્યું હતું. સંજય લાખાણીના મતે, કરોડોના ખર્ચે બનેલા આ અન્ડરબ્રિજમાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. જેના કારણે આજે પણ પાણી ભરાયેલું હોય તો સ્કૂટર પર કે ચાલીને જતા લોકો માટે મુશ્કેલી પડે છે અને અકસ્માતોની શક્યતા વધી જાય છે. રાજકોટમાં ટ્રાફિકની પણ કોઈ સમસ્યાનું નિરાકરણ નથી અને કોઈ વ્યવસ્થા નથી, તો આ બ્રિજ કેવી રીતે ચાલી શકે? વધુમાં તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું છે કે તેઓ તગારા અને પાવડા લઈને સફાઈ કરીને લોકોને બચાવવા માંગે છે. જોકે કોંગ્રેસના કાર્યકરો આમ્રપાલી બ્રિજ પાસે સફાઈનો કાર્યક્રમ શરૂૂ કરે તે પહેલાં જ, ટ્રાફિક જામની સ્થિતિને રોકવા માટે સ્થાનિક પોલીસ દોડી આવી હતી.
પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને તમામ 15 જેટલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. આ વિરોધ પ્રદર્શનનું આયોજન શહેર સમિતિ દ્વારા વોર્ડ-વિસ્તારના પ્રશ્નને લઈને કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ જણાવ્યું હતું કે, જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં આક્રમક કાર્યક્રમો કરવામાં આવશે અને પ્રધાનમંત્રી કાર્યાલય (ઙખઘ) સુધી પત્ર લખવામાં આવશે. તેઓ કોઈપણ સંજોગોમાં આ રસ્તાની સમસ્યાનો નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરશે.