મગફળીની ખરીદીમાં સરકારની ઢીલી નીતિ સામે કોંગ્રેસના પાલ આંબલિયાએ ઉઠાવ્યા સવાલ
ગુજરાતમાં લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂૂઆત થઈ છે. એક તો મોડી શરૂૂઆત અને બીજી તરફ ગોકળ ગાય ગતિએ થઈ રહેલી ખરીદી પર ગંભીર સવાલ ઉઠી રહ્યાં છે. ટેકાના ભાવે મગફળી વેચવા માટે કુલ 3 લાખ 72 હજાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. હાલની ગતિએ આ ખરીદી ક્યારે પુરી થશે તેને લઈને કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. 2024-25 માટે રાજ્યમાં 13 લાખ મેટ્રિક ટન મગફળી ટેકાના ભાવે ખરીદીની મોટી મોટી જાહેરાત સાથે 11 નવેમ્બર 2024 થી 160 ખરીદ કેન્દ્ર પર ખરીદીની પ્રક્રિયા રાજ્ય સરકારે હાથ ધરી છે.
બે મહિના વીતવા છતાં કુલ 13 લાખ મેટ્રિક ટન ખરીદી સામે માત્ર 2 લાખ 70 હજાર મેટ્રિક ટન જ મગફળી ખરીદી રાજ્ય સરકાર કરી શકી નથી ત્યારે ખેડૂત આગેવાન અને કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ ગંભીર સવાલ ઉઠાવતા મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને એક પત્ર લખ્યો છે અને સરકારની મનશા પર ઘણા સવાવ ઉભા કર્યા છે.પાલ આંબલિયા પત્રમાં ચીફ સેક્રેટરી અને રાજ્યના ખેતી નિયામકની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા છે. પાલ આંબલિયાએ લખ્યુ કે, ખરીદી પ્રક્રિયા આયોજન વગર રામ ભરોસે ચાલી રહી છે.
પાલ આંબલિયાએ કહ્યું કે ખરીદીની કામગીરી 25 દિવસમાં પૂર્ણ થઈ શકે એમ હતી તે 2 મહિનામાં માત્ર 20 ટકા પુરી થઈ છે. આ જ ગતિએ કામ ચાલશે તો ટાર્ગેટ પુરો કરતા 288 દિવસ લાગશે.સરકારે 160 કેન્દ્ર પર રોજ 100 ખેડૂતોની નિયમિત ખરીદી કરી હોત તો 20-25 દિવસમાં ખરીદીનો ટાર્ગેટ પૂર્ણ થઈ શક્યો હોત. તેમણે કહ્યું કે, સરકારની નીતીઓ પાછળ સરકારની વેપારીઓને માલામાલ કરવાની નીતિ જવાબદાર છે.આ સવાલ પાલ આંબલિયાએ ભાટિયા કેન્દ્ર છેલ્લા 20 દિવસમાં 7 દિવસ બંધ રહ્યું હોવાના આક્ષેપ કર્યા અને કહ્યું કે, બારદાન, ગોડાઉન, ટ્રાન્સપોર્ટેશન, મજૂરોના અભાવ જેવા બહાના હેઠળ સરકાર ગોકળ ગાય ગતિએ ખરીદી કરી રહી છે.ગુજરાત સરકારની નબળી નીતિઓને કારણે હંમેશા ખેડૂતોને ભોગ બનવાની સ્થિતી સર્જાય છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર ખરીદીમાં કોઈ પગલા ભરે છે કે કેમ?