અમદાવાદમાં કૉંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન શરૂ, કોંગ્રેસના 140 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ શક્તિ ગુજરાતે આપી: ખડગે
અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે કોંગ્રેસની CWCની બેઠકનો પ્રારંભ થયો છે. . CWCની બેઠકના પ્રારંભે રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ જણાવ્યું કે, કોંગ્રેસ 140 વર્ષના ઇતિહાસમાં જે પ્રાંતોમાંથી સૌથી વધુ શક્તિ મળી તેમાં ગુજરાત અવ્વલ છે. આજે અમે ફરી અહીંથી પ્રેરણા અને શક્તિ લેવા આવ્યા છીએ. અમારી અસલી શક્તિ દેશની એકતા-અખંડિતતા તથા સામાજિક ન્યાયની વિચારધારા છે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સવારે લગભગ 10.30 વાગ્યે અમદાવાદ પહોંચ્યા. એર ઇન્ડિયાની લંડન ફ્લાઇટમાં બોમ્બ હોવાની અફવાને કારણે બંને નેતાઓ અમદાવાદ પહોંચવામાં અડધો કલાક મોડા પડ્યા હતા. કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ની બેઠક બાદ સાંજે બંને નેતાઓ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. હાલમાં પ્રિયંકા અમદાવાદ પહોંચી નથી.
9 એપ્રિલે મુખ્ય અધિવેશન યોજાશે, જેમાં દેશભરમાંથી 1,700થી વધુ કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિઓ ભાગ લેશે. આ કાર્યક્રમ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાશે. અહીં એક VVIP ડોમ બનાવવામાં આવ્યો છે. આ અધિવેશનની થીમ છે, 'ન્યાયપંથ: સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષ.'
આ અધિવેશન ગુજરાતમાં સંગઠનને મજબૂત બનાવવા અને 2027ની વિધાનસભા ચૂંટણી માટે રોડમેપ તૈયાર કરવાની દિશામાં એક મોટું પગલું હશે.