જામનગરમાં હાપા ઓવરબ્રિજનું કોંગ્રેસે લોકાર્પણ કરી નાખ્યું
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા નવો રેલવે નો ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે, જેનું કામ મોટાભાગે પૂર્ણ થયું છે, અને ટૂંક સમયમાં તેનું લોકાર્પણ થવાનું હતું પરંતુ આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા લોકહીત ને ધ્યાનમાં રાખીને સ્થાનિક નાગરિકોને સાથે રાખીને પુલ પર રાખવામાં આવેલી લોખંડ ની આડશો દૂર કરી લઇ જાતે જ લોકાર્પણ કરાવી નાખ્યું હતું.
જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા તથા અન્ય કોંગી કોર્પોરેટરો, કાર્યકરો વગેરેએ એકત્ર થઈ હાપા માર્કેટિંગ યાર્ડ પાસેના નવા બનાવેલા રેલવેના ઓવરબ્રીજ કે જ્યાં મોટી લોખંડની એંગલ મૂકીને હાલ આડશો મૂકવામાં આવી હતી, જે પુલનું કામ 99 ટકા જેટલું પૂર્ણ થઈ ગયું છે, માત્ર લોકાર્પણ કરવાના કારણે અટકેલું છે, અને ભારતીય જનતા પાર્ટી પોતાના આકાઓને ખુશ કરવા માટે આ પુલનું લોકાર્પણ કરતું નથી, તેવા આક્ષેપો કરીને કોંગ્રેસ પાર્ટી એ લોખંડના એંગલ સાથે ની આડશો દૂર ખસેડી ને પુલ ખુલ્લો કરી નાખ્યો હતો. જોકે પોલીસ ટુકડી વગેરે આવી ગઈ હતી, અને હાલમાં સાઇડમાં બનાવેલા ડાઇવર્ઝન પરથી વાહનો પસાર થઈ રહ્યા છે.