ઉપલેટામાં ખેડૂતોના ધિરાણ દેવા માફી માટે કોંગ્રેસ દ્વારા ધરણા
કમોસમીને કારણે થયેલ નુકસાનને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે ત્યારે ખેડૂતોને થયેલ પાક નુકસાનીના વળતર અપાવવા માટે થઈને કોંગ્રેસ દ્વારા ઉપલેટા શહેરના મુખ્ય રાજમાર્ગ પર આવેલ હાર્દસમા વિશાળ બાપુના બાવલા ચોક ખાતે ધરણા કાર્યક્રમ રાખીને સરકારને જગાડવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આ કાર્યક્ર્મમાં વિવિધ પોસ્ટરો સાથે ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા. ખેડૂતોએ પણ તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરી હતી.
કોંગ્રેસ દ્વારા આયોજિત ધરણા કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો લલિત વસોયા અને લલિત કાગથરા પણ ઉપસ્થિત રહ્યા હતા. લલિત કાગથરાએ પણ સરકાર પર પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે સરકાર માત્ર સર્વેની વાતો કરે છે. હજુ સુધી સર્વેની ટીમ ખેતરો પર પહોંચી નથી અને સરકારનું તંત્ર સર્વે બાબતે નિષ્ફળ નીવડ્યું છે અને સરકાર ટેકાના ભાવે મગફળી રજિસ્ટ્રેશન બાદ સેટેલાઇટ સર્વે કરી શકતી હોય તો અત્યારે સેટેલાઇટ થી સર્વે કેમ નહીં ?
પાક નુકસાન અંગે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય કરવામાં નિષ્ફળ નીવડી છે. ભાજપના ધારાસભ્ય અને મંત્રીઓ ખુદ સ્વીકારે છે કે પાકને નુકસાન થયું છે અને છતાં પણ સર્વેનું નાટક કરીને સરકારને ગેર માર્ગે દોરી રહી છે. ખેડૂતોની મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની છે એ તાત્કાલિક શરૂૂ કરવી જોઈએ અને 300 મણ મગફળી ખરીદી કરવી જોઈએ.
ધરણાના કાર્યક્રમના અંતે ઉપલેટા કોટેજ હોસ્પિટલ પાસે આવેલ શ્રી હનુમાનજી મંદિરે મામલતદાર કે ડેપ્યુટી કલેક્ટરને બદલે શ્રી હનુમાનજી દાદાને ખેડૂતોના ધીરાણ દેવા માફ કરવા માટે સરકારને ઢંઢોળીને જગાડવા માટે આવેદનપત્ર આપ્યું હતું અને શ્રી હનુમાનજી દાદાને પ્રાર્થના કરી હતી કે તે હનુમાનજી દાદા સરકારને સદબુદ્ધિ આપજો અને ખેડૂતોના તાત્કાલિક ધોરણે ધિરાણ દેવામાં માફ કરી ખેડૂતોને સહાય કરજો જેવી પ્રાર્થના કરાઈ હતી જેમાં લલીતભાઈ કરગથરા તથા લલિતભાઈ વસોયાની સાથે કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.આ ધરણા કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ લખમણભાઈ ભોપાળા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ લાખાભાઈ ડાંગર, પૂર્વ શહેર પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈ, પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભુપતભાઈ કનેરીયા સહિતનાઓએ જાહેમત ઉઠાવી હતી.
