નરેશ પટેલ માટે કોંગ્રેસે લાલજાજમ બિછાવી હતી: જગદીશ ઠાકોરનો ધડાકો
તેમના ઘરે અને ફાર્મ હાઉસમાં બેઠકો થઇ હતી, કોઇપણ કન્ડિશન વગર પાટીદાર નેતાને કોંગ્રેસમાં લેવાની તૈયારી કરાઇ હતી
હાર્દિક અને અલ્પેશ ઠાકોર સામે ગંભીર ગુના દાખલ થતાં તે લાંબો સમય કોંગ્રેસમાં નહીં રહે તેવી શંકા હતી જ
ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરનાર કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષના રાજકીય ધડાકા
તાજેતરમાં ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરનાર કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને દિગ્ગજ ઓબીસી નેતા જગદીશ ઠાકોરે કેટલાક ચોંકાવનારા રાજકીય ધડાકા કર્યા છે. કોંગ્રેસની વર્કિંગ કમિટિમાથી પણ મુકત કરવાની પાર્ટી સમક્ષ ઇચ્છા વ્યકત કરનાર જગદીશ ઠાકોરે ગુજરાતમાં કોંગ્રેસને ફરી સતા ઉપર લાવવા માટે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાં લાવવાથી માંડી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવા માટે લાલ જાજમ બિછાવ્યા સુધીના અનેક રાજકીય ધડાકા કર્યા હતા.
ચૂંટણી નહીં લડવાની જાહેરાત કર્યા બાદ જગદીશ ઠાકોર પ્રથમ વખત મીડિયા સમક્ષ આવ્યા હતા અને છેલ્લા એક દાયકામા ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ખેલાયેલા રાજકીય કાવાદાવાઓ અંગે ખૂલીને વાત કરી હતી.
તમે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ હતા ત્યારે નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવાની હકારાત્મક વાત હતી તો મામલો ક્યાં ગૂંચવાઇ ગયો હતો? તેવા સવાલના જવાબમાં જગદીશ ઠાકોરે જણાવેલ કે , સમગ્ર ગુજરાતનું નેતૃત્વ એ સમયે સહમત હતું કે નરેશ પટેલ આવે એટલે રેડ કાર્પેટ પાથરીને આપણે લેવાના છે. એમના ઘરે પણ અમારી અને આખા નેતૃત્વની મિટિંગો થઇ હતી. એ પછી તેમના ફાર્મ હાઉસમાં પણ મિટિંગો થઇ હતી. આ પછી અમારા સિનિયર નેતાઓએ તેમની સાથે મિટિંગ કરી હતી ત્યારે કોઇ પણ કન્ડિશન વગર અમે તેમના માટે રેડ કાર્પેટ પાથરી હતી પણ તેઓ કેમ કોંગ્રેસમાં આવ્યા નહીં એ સવાલ એમનો છે. તેનો જવાબ હું નહીં આપી શકું.
તો શું હાર્દિક પટેલના કારણે નરેશ પટેલ સાથે ડીલ ન થઇ શકી? તેવુ પુછતા જગદીશ ઠાકોરે જણાવેલ કે ના, મેં કહ્યું ને કે નરેશ પટેલ કોંગ્રેસમાં ન આવી શક્યાં તેનો જવાબ મારી પાસે નથી. એ જ તેનો જવાબ આપી શકશે.
રેશમા પટેલે દાવો કર્યો હતો કે હાર્દિક પટેલે કોંગ્રેસમાં ટિકિટની ડીલ કરાવી છે. હકીકત શું છે? તે અંગે ઠાકોરે જણાવ્યુ કે , હાર્દિક પટેલે કોઇ જ ડીલ નહોતી કરી કે કોઇ એવી માંગણી કરી નહોતી. એ વખતે જિજ્ઞેશ, અલ્પેશ અને હાર્દિક આંદોલનકારી નેતાઓ હતા. તેમના આવવાથી કોંગ્રેસને ફાયદો પણ થયો હતો. એમના પર ઘણાં કેસો હતા. હું કોઇના નામ જોગ કહેવા નથી માંગતો પણ મને અંદરખાને કહેવામાં આવ્યું કે આ લોકોને 2 કેસમાં 20-20 વર્ષની સજા થાય એમ છે ત્યારે જ મેં મનમાં વિચારી લીધું હતું કે વધુ લાંબો સમય સુધી તેઓ અમારી સાથે નહીં રહે. તેથી અમે નવા વ્યુહ તરફ આગળ વધ્યા હતા.
જગદીશ ઠાકોરે ગુજરાતના મીડિયાક્ષેત્ર ઉપર પણ સવાલો ઉઠાવ્યા હતા અને આડકતરી રીતે કહયુ હતુ કે , કોંગ્રેસના રાહુલ સહિતના નેતાઓ ગુજરાતના પ્રવાસે આવે ત્યારે મીડિયા નેરેટિવ સેટ કરે છે અને નકારાત્મક સમાચાર ફેલાવે છે.
જગદીશ વિશ્વકર્માએ પ્રદેશ ભાજપ પ્રમુખનું પદ સંભાળ્યું એટલે ચર્ચામાં આવ્યા અને જગદીશ ઠાકોરે કોંગ્રેસ વર્કિંગ કમિટિ (ઈઠઈ)ના સભ્યપદમાંથી મુક્ત થવાની ઇચ્છા વ્યક્ત કરી એટલે ચર્ચામાં આવ્યા. જગદીશ ઠાકોરે ભવિષ્યમાં કોઇ ચૂંટણી ન લડવાની ફરીથી જાહેરાત કરી છે.
પાટીદાર આંદોલન બાદ 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 3 દાયકાનું સૌથી સારૂૂં પ્રદર્શન કરીને 77 બેઠક જીતી હતી. એ સમયે ભરતસિંહ સોલંકી ગુજરાત કોંગ્રેસના પ્રમુખ હતા. જ્યારે 2022ની ચૂંટણી આવી ત્યારે જગદીશ ઠાકોર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ હતા. તેમના સમયમાં કોંગ્રેસ 77 બેઠક પરથી 17 બેઠકોમાં સમેટાઇ ગઇ હતી. બીજીતરફ ભાજપને 156 બેઠકો પર ઐતિહાસિક જીત મળી હતી. એ સમયે સી.આર.પાટીલ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ હતા.
કોંગ્રેસને 2017ની ચૂંટણી કરતાં વધુ બેઠકો મળે તે માટે તત્કાલીન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે અનેક સોગઠાં ગોઠવ્યા હતા. નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તો પક્ષને ફાયદો થશે તેમ માનીને જગદીશ ઠાકોર સહિત શિર્ષ નેતૃત્વએ આ માટે ઘણી મહેનત કરી હતી મીડિયા સમક્ષ જગદીશ ઠાકોરે નરેશ પટેલ અને હાર્દિક પટેલ અંગે ખુલાસો કર્યો છે. સાથે જ વોટ ચોરી, ચૂંટણી ન લડવાની જાહેરાત વિશે પણ ખૂલીને વાત કરી છે.