કોંગ્રેસ દ્વારા 10 જિલ્લાના મહિલા પ્રમુખોની નિમણૂક
રાજકોટ જિલ્લામાં દિપ્તીબેન સોલંકી રિપીટ, ભાવનગરમાં દર્શનાબેન, કચ્છમાં રાધાસિંહ ચૌધરીને જવાબદારી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભાજપમાં જિલ્લા અને મહાનગર પ્રમુખોની નિમણુંકો અટકી છે. ત્યારે કોંગ્રેસે 10 જિલ્લાના મહિલા પ્રમુખોની નિમણુંકો જાહેર કરી દીધી છે.
કોંગ્રેસ મહિલા મોરચાના રાષ્ટ્રીયપ્રમુખ અલકા લાંબાની મંજુરી બાદ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ જેનીબેન ઠુંમરે રાજકોટ, અમદાવાદ, ભાવનગર, કચ્છ સહિત રાજ્યના 10 જિલ્લાના મહિલા પ્રમુખોના નામની જાહેરાત કરી હતી, જેમાં રાજકોટ જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ પદે દિપ્તીબેન સોલંકીની નિમણુંક કરી છે.તેમને રિપિટ કરવામાં આવ્યા છે. અન્ય 23 જિલ્લાના મહિલા પ્રમુખોની નિમણુંકો પણ ટુંક સમયમાં કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાતમાં હાલ કોંગ્રેસ સૌથી કપરાકાળમાંથી પસાર થઈ રહી છે. કોંગ્રેસના અનેક મોટા નેતાઓ તથા હજારો કાર્યકરો ભાજપમાં જોડાઈ જતાં વિધાનસભાની 182માંથી માત્ર 13 બેઠકો ઉપર કોંગ્રેસના ધારાસભ્યો છે. ત્યારે નવા હોદેદારો સામે સંગઠનને સક્રિય અને મજબુત કરવાનો સૌથી મોટો પડકાર રહેશે.