ગઠબંધનમાં ગડમથલ, કોંગ્રેસ-આપ વચ્ચે તલવારો ખેંચાણી
- ભાવનગર-ભરૂચ બેઠકો આપવા સામે કોંગ્રેસનો વિરોધ, આપ દ્વારા વધુ બેઠકોની માગણી
ગુજરાતમાં આમઆદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે લોકસભા બેઠકોની વહેંચણી થયાની વાતો વહેતી થતાં જ કોંગ્રેસ અને આપમાં ધમાસાણ શરૂ થયું છે. ભાવનગર બેઠક આપને આપવા સામે કોંગ્રેસમાં વિરોધ ઉઠ્યો છે. તો આમઆદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાને આપના પ્રભુત્વ વાળી વધુ બેઠકોના ઉમેદવારો જાહેર કરવાની વાત કરી છે.
એક તરફ ભરુચ લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે પેચ ફસાયો છે ત્યારે ભાવનગર બેઠક પર પણ બંને પક્ષ વચ્ચે ગઠબંધનના મુદ્દે ઘમાસાણ જોવા મળી રહ્યું છે. હાલ આપએ જાહેર કરેલ ભરુચ અને ભાવનગર (ઇવફદક્ષફલફિ) બેઠક પર કકળાટ થઇ રહ્યો છે. જો કે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું છે કે આ મુદ્દે હાઇકમાન્ડ જે નિર્ણય લેશે તેને મારા સહિત તમામ કાર્યકરો સ્વીકારીને આગળ વધશે.
લોકસભા ચૂંટણીમા બેઠકોની વહેંચણીના મુદ્દે ગુજરાતમાં આપ-કોંગ્રેસના ગઠબંધનનો પેચ જોરદાર ફસાયો છે. ગઈકાલે સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત થવાની હતી. અગાઉ જ આપ એ ભરૂૂચ અને ભાવનગરના ઉમેદવાર જાહેર કરી દીધા છે પણ ભરૂૂચ બેઠક પર સ્વ. અહમદ પટેલના પુત્રએ વાંધો ઉઠાવ્યો છે જેથી પેચ ફસાયો છે. બીજી તરફ સુત્રોએ કહ્યું હતું કે પ્રદેશના અગ્રણી નેતા પણ ભાવનગર બેઠક આપને આપવાના મૂડમાં નહિ હોવાનું જાણવા મળે છે. ભાવનગરના બદલે ગોધરા અથવા સુરત બેઠક આપને મળી શકે તેમ પણ મનાઇ રહ્યું છે. હાલ આપ એ જાહેર કરેલ ભરુચ અને ભાવનગર બેઠક પર કકળાટ થઇ રહ્યો છે.
ભરૂચ લોકસભા બેઠક ઉપર આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થવાના અહેવાલો વચ્ચે કોંગ્રેસના નેતાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ભરુચના કોંગ્રેસ અગ્રણી ફૈઝલ પટેલે કહ્યું છે કે ગઠબંધન થાય, આ બેઠક કોણે જીતે છે તેનું પણ ધ્યાન હાઈ માન્ડે રાખવું જોઈએ. બીજી તરફ પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાએ કહ્યું કે ચૈતર વસાવા કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટણી લડે તો વાંધો નથી. આ બેઠક પર આપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ભારે ધમાચકડી જોવા મળી રહી છે.
હાઈકમાન્ડ નક્કી કરશે: શક્તિસિંહ ગોહિલ
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે ગઠબંધન પર લડવું કે નહી તે નિર્ણય હાઇકમાન્ડ કરશે. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે અમે સ્ટ્રોંગ અભિપ્રાય આપ્યો છે. હવે આખરી નિર્ણય હાઇકમાન્ડનો છે. પાર્ટીમાં શિસ્ત છે. હાઇકમાન્ડ રાષ્ટ્રીય ફલકને જોઇને કોઇ નિર્ણય કરે તો મારા સહિત તમામ કાર્યકરો વફાદારીથી વધાવીને આગળ વધીશું. અમે તેને સ્વીકારીશું . ભરુચ બેઠક બાબતે તેમણે કહ્યું કે તે પણ હાઇકમાન્ડનો વિષય છે અને તે યોગ્ય નિર્ણય લેશે. મારે નિર્ણય કરવાનો નથી, મારે તો અભિપ્રાય આપવાનો છે. પાર્ટી જે કંઇ નિર્ણય કરશે તેનો અમલ કરાશે.