શાળામાં સંકલ્પ કાર્યક્રમ મુદ્દે બે શૈક્ષણિક સંગઠનમાં વિરોધાભાસ
કાર્યક્રમનો પરિપત્ર રદ નહીં થાય તો પ્રાથમિક શિક્ષક સંઘની બહિષ્કારની ચિમકી: શૈક્ષણિક મહાસંઘ કાર્યક્રમના સમર્થનમાં
રાજ્યના બે મોટા શૈક્ષણિક સંગઠનો સંકલ્પ કાર્યક્રમને લઈને સામ સામે આવી ગયા છે. શૈક્ષિક મહાસંઘની રજૂઆતના પગલે 1 સપ્ટેમ્બરે રાજ્યની તમામ સ્કૂલોમાં પ્રાર્થના સભા વખતે અમારું વિદ્યાલય, અમારું સ્વાભિમાન અભિયાન અંતર્ગત સંકલ્પનો કાર્યક્રમ યોજવા માટે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા પત્ર કરવામાં આવ્યો છે.
જેનો પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને તાત્કાલિક પત્ર રદની માગણી કરાઈ છે. જો, પત્ર રદ કરવામાં નહીં આવે તો કાર્યક્રમના વિરોધ અને બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રજૂઆતના પગલે ગુજરાતની શાળાઓમાં શિક્ષક-વિદ્યાર્થી પોતાની વિદ્યાલય સાથે આત્મીયતાથી જોડાય તથા વિદ્યાલય વિશે ગૌરવ અનુભવે તે માટે અમારું વિદ્યાલય, અમારું સ્વાભિમાન અભિયાન શરૂૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 1 સપ્ટેમ્બરના રોજ પ્રાર્થના સભામાં સંકલ્પ લેવા અંગેનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. આ માટે રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીએ રાજ્યની તમામ પ્રાથમિક સ્કૂલોને પ્રાર્થના સભામાં સંકલ્પ લેવાની અનૂકુળતા કરવા માટે જરૂૂરી સૂચના આપી છે.
જોકે, આ સંકલ્પને લઈને એક શૈક્ષણિક સંગઠન દ્વારા પ્રયાસો કરી તેનો પ્રચાર- પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે બીજા શૈક્ષણિક સંગઠન દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે. રાજ્યના સૌથી મોટા શૈક્ષણિક સંગઠન એવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા 1 સપ્ટેમ્બરના રોજ પ્રાર્થના સભામાં આ અભિયાનને લઇને પોતાનો વિરોધ વ્યક્ત કરાયો છે. આ મુદ્દે સંગઠન દ્વારા રાજ્યના શિક્ષણમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. જેમાં જણાવાયું છે કે, રાજ્યની તમામ સ્કૂલોના શિક્ષકોને પોતાની શાળા પ્રત્યે સ્વાભિમાન છે અને બાળકોમાં પણ શાળાનું ગૌરવ વધારવા માટે સતત પ્રયત્નશીલ છે.
અન્ય સંગઠન દ્વારા સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટેની રજૂઆતને ધ્યાને લઈને સરકાર દ્વારા તમામ શાળાઓને પ્રાર્થના સભામાં સંકલ્પ લેવા માટે ફરજ પાડવામાં આવી રહી છે તે શિક્ષણ અને વહીવટી દૃષ્ટિએ યોગ્ય ન હોવાનું જણાવી પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તેનો વિરોધ વ્યક્ત કરાયો છે. આટલું જ નહીં, આ પત્ર રદ કરવામાં નહીં આવે તો પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વિરોધ અને બહિષ્કાર કરતો કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જેથી તાકીદે આ પત્ર રદ કરવામાં આવે તેવી સૂચના આપવા માટે માગણી કરાઈ છે.
આમ, હવે આગામી દિવસોમાં બંને શૈક્ષણિક સંગઠનો પોત પોતાનું જોર બતાવવા માટે આ કાર્યક્રમનો સહારો લેશે. એક શૈક્ષણિક સંગઠન કાર્યક્રમ સફળ થાય અને મહત્તમ સ્કૂલોમાં સંકલ્પ થાય તે માટેના પ્રયાસમાં લાગી ગઈ છે. જ્યારે બીજું શૈક્ષણિક સંગઠન દ્વારા તેના બહિષ્કારની તૈયારીઓ શરૂૂ કરવામાં આવી છે. આમ, હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બે બળિયા શૈક્ષણિક સંગઠનો બાથ ભીડવા તૈયાર હોય તેમ લાગી રહ્યું છે.