50થી વધુ મેમા હોય તેવા વાહનોની જપ્તી શરૂ
ડી.જી.ઓફિસમાંથી રાજકોટ પાસિંગના 300 વાહન નંબર સાથે લિસ્ટ આવી ગયું
રાજકોટ સહિત ગુજરાતમાં ટ્રાફીક નિયમોની ઐસિતૈસિ કરી ટ્રાફીક દંડના મેમોનો ઉલાળ્યો કરતાં વાહન ચાલકો સામે હવે પોલીસે કાયદાનો દંડો ઉગામ્યો છે અને 50 થી વધુ મેમો હોવા છતાં ટ્રાફીક દંડ નહીં ભરતાં પેધી ગયેલા વાહન ચાલકોના વાહનોની જપ્તી શરૂ કરવામાં આવતાં આગામી દિવસોમાં પોલીસ હેડ કવાર્ટરમાં વાહનોના થપ્પા લાગવાની શકયતા છે.
મળતી માહિતી મુજબ, રાજ્યના પોલીસ વડાએ ગુજરાતભરમાં 50 થી વધુ મેમો બાકી હોય તેવા વાહનો જપ્ત કરી લેવા દરેક જિલ્લા પોલીસ વડા તથા પોલીસ કમિશ્નરોને સુચના આપી છે અને દરેક જિલ્લાના પાર્સિંગ સાથેના વાહનોનું લીસ્ટ જે તે સી.પી. તથા એસ.પી.કચેરીઓને મોકલી આપેલ છે. જેના અનુસંધાને ગઈકાલથી જ આ ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટ આર.ટી.ઓ. પાર્સિંગના પણ 300 જેટલા વાહનોનું લીસ્ટ ડી.જી. કચેરીમાંથી આવતાં આવા વાહનોને શોધવા ટ્રાફીક પોલીસે કવાયત શરૂ કરી છે.
પોલીસના કહેવા મુજબ, ટ્રાફીક ઝુંબેશ દરમિયાન 50 થી વધુ મેમા બાકી હોય તેવા વાહનો સીધા જ જપ્ત કરી લેવાની સુચના આવી છે અને આ ઝુંબેશ શરૂ પણ કરી દેવામાં આવી છે. વાહન ચાલકોને ટ્રાફીક નિયમોનો ભંગ નહીં કરવા અને ભંગ કર્યો હોય તો દંડની રકમ વહેલી તકે ભરી દેવા પણ અપીલ કરવામાં આવી છે.