માંગરોળ ડેપોમાં કંડક્ટરનું હાર્ટએટેકથી મોત
સાથી કર્મીઓ સાથે વાતો કરતી વેળાએ અચાનક ઢળી પડ્યા : બાળકીએ પિતાની છત્રછાયા ગુમાવી
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ-એટેક આવવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. નાની ઉંમરમાં જ કેટલાય યુવાનો અને બાળકો હાર્ટ-એટેકથી જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે જૂનાગઢના માંગરોળ એસટી ડેપોમાં ફરજ બજાવતા કંડક્ટરને હાર્ટ-એટેક આવતાં તેઓ ટીસી ઓફિસમાં જ ઢળી પડ્યા હતા, જેમને હોસ્પિટલમાં ખસેડાયા, પણ તેમનું મોત નીપજ્યું હતું.
જૂનાગઢના માંગરોળ એસટી ડેપોમાં છેલ્લાં સાતથી આઠ વર્ષથી ફરજ બજાવતા સિદ્ધરાજ સોમાભાઈ ચૂડાસમા નિયમિત ફરજના ભાગરૂૂપે પોતે માંગરોળ એસટી ડેપો ખાતે પહોંચ્યા હતા, ત્યારે ટીસી ઓફિસમાં હતા એ સમયે છાતીમાં દુખાવો થયો હતો, જેથી ફરજ પરના કર્મીઓ તેમને સારવાર માટે સ્થાનિક સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાંથી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા, પણ તેમનું એ સમયે જ નિધન થયું છે.
સિદ્ધરાજ સોમાભાઈ ચૂડાસમા માંગરોળની બાજુમાં આવેલા ચંદવાણા ગામના વતની છે. તેઓ છેલ્લાં સાતથી આઠ વર્ષથી માંગરોળ ડેપો ખાતે કંડક્ટર તરીકે ફરજ બજાવતા હતા. ફક્ત 30 વર્ષની નાની ઉંમરે તેમણે ડેપોમાં પણ ખૂબ સારી કામગીરી કરી છે. માહિતી અનુસાર, તેમને છાતીમાં દુખાવાની ફરિયાદ હતી અને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ત્યારે જ હોસ્પિટલમાં પોતાની તકલીફ જણાવતા સમયે જ હાર્ટ-એટેક આવી ગયો હતો અને સારવાર દરમિયાન તેમનું અવસાન થયું છે.
સિદ્ધરાજ સોમાભાઈ ચૂડાસમાનું અકાળે અવસાન થતાં પરિવાર પર પણ આભ તૂટ્યા જેવી સ્થિતિ નિર્માણ થઈ છે. ફક્ત 30 વર્ષની નાની ઉંમરે આ પ્રકારની ઘટના ઘટતાં સમગ્ર સ્ટાફ સ્તબ્ધ થઈ ગયો હતો. તેમના સહકર્મીઓએ પરિવારની સાથે ઊભા રહી સાંત્વના આપી હતી.
મૃતક સિદ્ધરાજભાઈ ચૂડાસમાનાં મમ્મી-પપ્પા બંનેનાં અવસાન થઈ ચૂક્યાં છે. પરિવારમાં તેમનાં પત્ની અને તેમની ત્રણ મહિનાની પુત્રી છે. હજુ દીકરી સરખું પપ્પાને ઓળખતા પણ ન શીખી હોય એ સમયે તેના પિતાનો સાથ છીનવાય જતાં સમગ્ર પરિવાર હીબકે ચડ્યો છે.