સર્વેશ્ર્વર ચોક વોંકળાનું કામ ચોમાસા પહેલાં પૂર્ણ કરો: કોંગ્રેસ
યાજ્ઞિક રોડ ઉપર સર્વેશ્ર્વર વોકળાનું કામ ધીમીગતિએ ચાલતું હોય ચોમાસા દરમિયાન કામ પૂર્ણ ન થયે જળબંબાકારની સ્થિતિની સંભાવના વ્યક્ત કરી કોર્પોરેશનની ઢીલીનીતીનો વિરોધ કરી કોંગ્રેસ દ્વારા કામ ચોમાસા પહેલા પૂર્ણ કરવા માટે મ્યુનિસિપલ કમિશનર સહિતનાની રજૂઆત કરવામાં આવી છે.
કોંગ્રેસ દ્વારા રજૂઆત કરી જણાવેલ કે, રાજકોટના મુખ્ય રસ્તાઓ માં નો એક ડોક્ટર યાજ્ઞિક રોડ પર હાલ સર્વેશ્વર ચોક પાસે નાલાનું કામ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલી રહ્યું છે.
હાલ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે રાજકોટ મહાનગરપાલિકા અને કોન્ટ્રાક્ટર ની આંતરિક ખટપટને યોગ્ય સંકલન ના અભાવે હાલ વેપારીઓનો ખો નીકળી રહ્યો છે 12 માસમાં પૂર્ણ કરવાનું હતું પરંતુ હાલ 12 માસમાં કામ પૂર્ણ થાય તેમ જણાતું નથી. ચોમાસુ નજીક આવી જતા ભારે હાલાકી અને ચોમાસામા પાણીના જળ પ્રવાહમાં આ સમગ્ર વિસ્તાર જળબંબાકાર થવાની પુરી સંભાવના છે વેપારીઓને પણ રાજકોટ મહાનગરપાલિકાની ઢીલી નીતિ ને કારણે ભોગવવાનો વારો આવ્યો છે. અને કામ વિલંબ થતા ભારે આર્થિક નુકસાની વેઠવી પડે તેમ છે.યાજ્ઞિક રોડ પરના સર્વેશ્વર ચોકના વોકળા પરના નાલાનું કામ 4:50 કરોડ માં કોન્ટ્રાક્ટરને અપાયું હોય ત્યારે આ કામ જૂન જુલાઈમાં પૂર્ણ ન થાય તો જળ હોનારતની ભિતી રહે.
આમેય યાજ્ઞિક રોડ પર નજીવા વરસાદે ગોઠણભેર પાણી ભરાય છે ત્યારે હાલ ન્યુ જાગનાથ અને જાગનાથ સહિતના વિસ્તારોમાં ડી આઇ પાઇપલાઇનનું કામ પણ ચાલુ હોય આડેધડ થતા ખોદકામના પગલે ખાડાઓનું સામ્રાજય જોવા મળી રહ્યું છે તો આ ખાડાઓમાં સિનિયર સીટીઝન અને આમ પ્રજા ને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ખોદકામ બાદ પાઈપલાઈન નું કામ પૂર્ણ થયેલ તે ખાડા પર તાત્કાલિક મેટલિંગ કામ કરવું અત્યંત જરૂૂરી છે જે હાલ થતું ના હોવાને પગલે વિસ્તાર માં કાદવ કીચડ નું સામ્રાજય જોવા મળી રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા સામે લોકરોષ ભભૂક્યો છે અને માવઠાને પગલે શેરીઓમાં કાદવ કિચડનું સામ્રાજ્ય થયું છે ત્યારે જો બારે મેઘ ખાંગા થાય તો સમગ્ર વિસ્તાર અને આ જાગનાથમાં વોકળાની આસપાસની ઇમારતોમાં ફલેટમાં તેમજ યાજ્ઞિક રોડ પરના વેપારીઓની દુકાનોમાં પાણી ઘુસી જવાનો ભય રહે છે. આથી મારી અગાઉની રજૂઆત અને આજની રજૂઆતના પગલે આપ દ્વારા થયેલ કાર્યવાહીની લેખીતમાં જાણ કરવા અનુરોધ કર્યો છે.