નેશનલ હાઇવેના કામ ઝડપથી પૂરા કરો: સંકલન સમિતિમાં રામભાઇની નારાજગી
રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને આજરોજ જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજવામાં આવી હતી. જેમાં જિલ્લાના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરીને, તેનો સમયમર્યાદામાં નિકાલ લાવવા કલેક્ટરએ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
આ બેઠકમાં સાંસદ પરશોત્તમભાઈ રૂૂપાલાએ સ્વાતંત્ર્ય સેનાનીઓના પ્લોટ સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા તેમજ સરકારી તંત્ર દ્વારા અસરકારક કામગીરી માટે ઉપયોગી સૂચનો કર્યા હતા. સાંસદ રામભાઈ મોકરિયાએ મોરબી રોડ પાસેના સર્વિસ રોડ, કુવાડવા રોડ, નેશનલ હાઈવેના કામો સહિતના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા.
ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ વીજ પૂરવઠાને લગતા તો ધારાસભ્ય ડો. દર્શિતાબહેન શાહે શહેરમાં અશાંતધારા સહિતના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ પાડલીયાએ ઉપલેટા-ધોરાજી પંથકમાં જર્જરિત બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયો હોવાથી ડાઈવર્ઝન અંગે પડતી મુશ્કેલીઓની વિગતો સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા.
આ બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નો પરત્વે પ્રો-એક્ટિવ અભિગમ અપનાવીને તેનો સમયમર્યાદમાં નિકાલ લાવવા કલેક્ટરએ સૂચના આપી હતી. આ તકે જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશે સર્વ અધિકારીઓને ચોમાસાની સ્થિતિને ધ્યાને રાખીને રોડ રસ્તા રિપેરિંગ, જાન માલને નુકસાન ન થાય તેવા આગોતરા આયોજન સાથે જર્જરીત સરકારી અને ખાનગી મકાનોની તપાસ અને જરૂૂરી લાગતી કાર્યવાહી ભારપૂર્વક સૂચના આપી હતી.