લગ્નમાં ડી.જે., હલ્દી, ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ
રાધનપુર ઠાકોર સમાજનો સરાહનીય નિર્ણય, સામાજિક બંધારણ ઘડાયું
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામના ઠાકોર સમાજે સમાજમાં પ્રવર્તતા ખર્ચાળ રિવાજો અને દેખાડાની પ્રથાઓ પર અંકુશ લાવવા માટે એક મોટો અને ક્રાંતિકારી નિર્ણય લીધો છે. રામદેવપીરના મંદિરે યોજાયેલી બેઠકમાં સમાજના આગેવાનો, યુવાનો અને વડીલોએ મળીને એક સામાજિક બંધારણ ઘડ્યું છે. આ બંધારણનો મુખ્ય હેતુ પ્રસંગોમાં ગરીબી અને અમીરીનો ભેદભાવ દૂર કરી, સામાજિક સમાનતા સ્થાપિત કરવાનો અને ખોટા ખર્ચાઓ બચાવીને સમાજનો આર્થિક વિકાસ કરવાનો છે. આ તમામ નિયમોનો તાત્કાલિક અસરથી અમલ શરૂૂ કરી દેવાયો છે.
ઠોકોર સમાજની સમિતિ દ્વારા લગ્ન અને અન્ય પ્રસંગોમાં થતા બેફામ ખર્ચાઓ પર નિયંત્રણ મૂકવા માટે નીચેના મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. લગ્ન પ્રસંગે ડીજે વગાડવા, હલ્દી રસમ કરવી, આતશબાજી માટે ફટાકડા ફોડવા અને વીડિયો શૂટિંગ કરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સગાઈના સમયે યુવતીઓને મોબાઇલ ફોન ભેટમાં આપવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવાયો છે, જેનો ઉદ્દેશ્ય યુવતીઓને મોબાઈલના દુરુપયોગથી બચાવવાનો છે. મામેરાની રકમ હવે રૂૂપિયા 11,000થી લઈને મહત્તમ રૂૂપિયા 1 લાખની રોકડ રકમ સુધી સીમિત કરવામાં આવી છે. આ ઉપરાંત, જાન લઈને જતી વખતે માત્ર 5થી 11 વ્યક્તિઓ જ જઈ શકશે, જેથી બિનજરૂૂરી ખર્ચ અને દેખાડો ટાળી શકાય.
સમાજના અગ્રણી સોનાજી ઠાકોરે જણાવ્યું કે, હાલમાં આ નિયમો માત્ર મહેમદાવાદ ગામના ઠાકોર સમાજ પૂરતા મર્યાદિત છે અને તેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જો કોઈ પરિવાર કે સભ્ય આ નિયમોનો ભંગ કરશે, તો સમિતિ દ્વારા તેમને રૂૂપિયા 11,000નો દંડ કરવામાં આવશે. આ દંડની રકમની વસૂલાત કરીને તેનો ઉપયોગ સમાજના વિકાસના કાર્યો, ખાસ કરીને શૈક્ષણિક વિકાસ પાછળ ખર્ચ કરવામાં આવશે. આનાથી સમાજમાં શૈક્ષણિક અને આર્થિક સુધારણા લાવવાનો માર્ગ મોકળો થશે. સમાજના યુવાનો, આગેવાનો અને વડીલોએ એકસાથે મળીને આ પરિવર્તનના નિર્ણયને સહર્ષ સ્વીકાર્યો છે, જે સમાજની એકતા અને સુધારણા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
